
૧.
એક ખાબોચિયામાં
મધ્યાહ્ને
માતેલી ભેંસની જેમ જડ થઈ પડી રહેલા
સૂર્યને
સાંજ સુધીમાં તો માછલાં ફોલી ફોલીને ખાઈ ગયાં.
૨.
બારીની જેમ જડાઈ ગયાં છે ખાબોચિયાં.
વૃક્ષો એમાં ડોકાઈ ડોકાઈને જુએ છે.
કદાચ
તેઓ ક્યાં પહોંચ્યાં એનો તાગ કાઢતાં હશે.
વચ્ચે અફાટ અવકાશ.
૩.
પીઠ પર દફતર ઝુલાવતા નિશાળિયાઓએ
મોટા દેખાતા એક ખાબોચિયે કાંકરા નાંખી
અનેકાનેક વલયો જન્માવ્યાં.
પછી તો આખુંય ખાબોચિયું કાંકરે કાંકરે પુરાઈ ગયું.
કાલે જ્યારે નિશાળિયાં છૂટીને પાછા ફરશે
ત્યારે
તેઓએ કાંકરાની શોધમાં દૂર રખડવું નહી પડે.
૪.
મેં એક ખાબોચિયામાં
એક કાગળની હોડી મૂકી
અને-
એ તરી.
૫.
ખાબોચિયું જોવા મેં આંખ માંડી
ત્યારે આંખના ડોળા પર કશુંક ઘસાતું હોય એવું લાગ્યું હતું
પણ મને મજા પડી.
ખાબોચિયા પર આંખ માંડીને જ હું આગળ વધ્યો.
અડધાં કપાયેલાં, ફરી એકમેકમાં ભળી જઈ જોડાતાં
ટોળાં, દુકાનોનાં પાટિયાં, છત, પડું પડું મકાનો
ને ઊંધી વળેલી બસનાં ઊંધાં પ્હોળાં મસમોટાં વ્હીલ
મારાં ઉપલાં પોપચે ફરવા લાગ્યાં.
નજીક પહોંચ્યો
તેમ તેમ દૃશ્યો ચકરાયાં, તૂટ્યાં ને બદલાયાં.
ખાબોચિયું
આંખ સરસું પાસે આવ્યું
ત્યારે તો કશું જ નહીં.
માત્ર ચૂને ધોળ્યું આકાશ;
મારી આંખોમાં
ઊંડે ઊંડે અસહ્ય પીડા થવા લાગી.
ટીનના પતરાં જેવું ચળકતું ખાબોચિયું
ખાસ્સું અડધું એવું
મારી આંખો ચીરીને ઊંડે ઊંડે પેસી ગયેલું.
સામે ક્ષિતિજ જેટલું દૂર
ને પાછળ
ફૂટેલી, લોહિયાળ ખોપરીને પેલે પાર...



સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, ૧૯૭૮ (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ