kawino punarjanm - Free-verse | RekhtaGujarati

કવિનો પુનર્જન્મ

kawino punarjanm

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
કવિનો પુનર્જન્મ
મણિલાલ દેસાઈ

સૂર્યને કો શાંત પાડો

ને ચંદ્રને કોઈ ડુબાવો અંધકારે,

તારલા પર કોઈ તો દ્યો ફેરવી

મેશનો કાળો પીછો.

ને તો ય...

ને તો ધરતી ઝગે, ગ્રહ ટમટમે

તો એને દાટી દ્યો.

આજે

મારે (અરે, મારે શા માટે? બધાએ બધાએ)

અંધકાર માણવો છે.

પ્રસવ પહેલાં મા તણા ઉદરે રહી

જે ભોગવ્યો

ને જ્યાં થકી

હૃદય ધબકાર લાવ્યું, ગીત લાવ્યું,

આંખ જ્યાં શીખી ટમકવું.

તે સૌ ભુલાયું.

બુઝાવી દ્યો, બુઝાવો, બુઝાવો,

આજે ફરી સૃષ્ટિ પર

મારે, કવિએ જન્મવું છે.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2