kawi bakalne - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કવિ-બકાલને

kawi bakalne

પવનકુમાર જૈન પવનકુમાર જૈન
કવિ-બકાલને
પવનકુમાર જૈન

પા કિલો ગુવારશીંગ

જોખતા હોવ તેમ

તમે શબ્દોને જોખો છો.

એમાં પાછી દાંડી મારો છો,

આંકડી ચડાવો છો,

બસો ગ્રામના કાટલા સાથે

પચાસ ગ્રામની અવેજીમાં

પથ્થર મૂકો

અને કહો છો :

પચાસ ગ્રામ કરતાં

વધારે છે.

ભાઈ બકાલ,

પેલા ઝવેરીને જુઓ.

એની પાસે નાની,

નમણી ત્રાજૂડી છે.

વાલ ને રતીમાં તોળે છે.

જોખવા અને તોળવાનો

ફેર સમજો છો?

નથી સમજતા?

કવિ-બકાલ,

વાંધો નહીં,

તમતમારે પા-પા કિલો

ગુવારશીંગ જોખતા રહો.

સ્રોત

  • પુસ્તક : ૬૫ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સર્જક : પવનકુમાર જૈન
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2012