
કવિતા તો કૈશોરની યાદ. તે તો નજર સામે તરી આવતું ઉદાસ
મોં મારી માનું; લીમડે બેઠેલું પીળું પંખી તે તો
પાંદડાંનાં તાપણાંની આસપાસ રાતે જાગતાં નાનાં ભાઈ-બહેન
બાપુનું પાછા ઘેર આવવું, સાઇકલની ઘંટડી – ‘રાબિયા રાબિયા’ –
મારી માના નામથી ખૂલી જતું દક્ષિણનું બંધ બારણું કવિતા તો!
કવિતા તો પાછા જવું પાર કરી ઢીંચણ સમાણી નદી
ધુમ્મસે ઢાંક્યો માર્ગ, સવારની બાંગ અથવા ડાંગરનાં ફોતરાંની આગ
કચોરીના ફૂલેલા પેટમાં ભરેલા તલની સૌરભ
માછલીની ગંધ, આંગણામાં પાથરેલી જાળ અને
વાંસની ઝાડીમાં ઘાસે ઢંકાયેલી દાદાની કબર કવિતા તો.
કવિતા તો સન્ છેંતાલીસમાં વયમાં આવેલો અસુખી કિશોર
નિશાળમાં ગોટલી મારવી, સભા, સ્વાધીનતા, સરઘસ, ઝંડા
ચારે બાજુ હતવાક્ હુલ્લડની આગથી
બધું ખોઈને પાછા આવેલા મોટાભાઈનો દુઃખભર્યો હેવાલ કવિતા તો.
કવિતા તો નદીભાઠાનાં પંખી, ભેગાં કરેલાં બતકનાં ઈંડાં, ગંધભર્યું ઘાસ
પડેલા મોંવાળી વહુવારુનો અછોડો તોડી ભાગેલો વાછડો
ખાનગી પત્રના પેડ પર ભૂરા કવરમાં સજાવેલા અક્ષર
કવિતા તો નિશાળની છોડી પેલી ખુલ્લા વાળવાળી આયેશા અખ્તર.
(અનુ. ભોળાભાઈ પટેલ)



સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ