droh - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેં

એક આગિયાને

મારા ખોબામાં સાચવીને રાખી લીધો

કે તરત

જાગી ગયેલું અંધારું

ઘૂરકવા લાગ્યું

મારી સામે.

પહેલી વખત

મેં રેતીને બદલે

પાક્કા પથ્થરની દીવાલ બનાવી

ઉઘાડી-વાસી શકાય તેવી

બારીઓ મૂકી તેમાં

બસ ક્ષણે

હવા સાથે

દુશ્મની વહોરી લીધી મેં

સામેના કાંઠે જઈને

કોઈને મળવું

ગુનો તો નથી ને?

મેં નદીના બન્ને કાંઠાઓને જોડતો

પુલ બનાવ્યો

ખબર નહીં શું ખોટું કર્યું!

પણ તે દિવસથી

નદી

મારાથી રિસાયેલી રિસાયેલી રહે છે.

બસ એમ

મેં નાનકડી કવિતા લખી છે

પણ

હું જોઈ રહ્યો છું

ક્રોધિત કાળનો હાથ

થરથર કાંપી રહ્યો છે.

સ્રોત

  • પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સર્જક : યોગેશ વૈદ્ય
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2023