વણલખાયેલી કવિતા
vanlakhayeli kavitaa
કે. સચ્ચિદાનંદન
K. Satchidanandan

હું એક કવિતા છું
જેને હજુ કોઈએ લખી નથી.
મેં ઘણા કવિઓની આંગળીનાં ટેરવાં સુધીની
મજલ ખેડી છે
પણ અભિવ્યક્તિ ન પામેલા પ્રેમની જેમ
સપનામાં પીછેહઠ કરી છે
કારણ કે મારી કોઈ લિપિ નહોતી.
એમાં ભવિષ્યકાળ છે ત્યાં સુધી
મને ભાષાનો કોઈ ભય નથી.
એક દિવસ મને મારા શબ્દો જડી જશે :
અચંબાભર્યો બાળક જોશે
કોઈ સઢને ખૂલી જતાં
અને હળવેથી જાગશે
કોરા કાગળ પર
નવા જ તારા હેઠળ.
(અનુ. કમલ વોરા)



સ્રોત
- પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 163)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2023