mrut kavitaa - Free-verse | RekhtaGujarati

કવિતા મરણ પામે ત્યારે,

કાળજી રાખજો કે

સમગ્ર ભાષાને

જીવાત ચેપ લગાડે તે પહેલાં

એને ઊંડે દફનાવી દેવાય.

એને ફૂલહારની નહીં

પણ ધુમાડિયા ગોટાની જરૂર છે.

આવતી કાલ માટે

ચૂલાનું લાકડું કે ઈંધણ નહીં થાય.

આપણા ચોખા રાંધવા

અને વાહનો હાંકવા માટે

બીજી કવિતાઓની જરૂર પડશે.

ખરેખર તો નવજાતની જેમ વર્તતી

ઘણી કવિતાઓ

એમની કબરોમાંથી

અજાણપણે પ્રગટ થઈ છે.

એમને ધ્યાનપૂર્વક જુઓ :

ચીમળાયેલી ચામડી, બંધ આંખો,

થંભી ગયેલા શ્વાસ, શાંત હૃદય.

અને પેલી

ગઈ કાલોની ગંદી વાસ.

આપણે તેમની પર

વધુ ને વધુ મોટાં ને માતબર ઇનામો

લાદીએ છીએ

જેથી કરીને

અધરાતે ક્યારેય જાગી જાય

અને યુવા કવિતાઓનાં કુમળાં ગળાઓમાં

પોતાના તીણા દાંત ખૂંપાવે.

(અનુ. કમલ વોરા)

સ્રોત

  • પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023