kawita sarjan wishe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કવિતા સર્જન વિષે

kawita sarjan wishe

તુષાર શુક્લ તુષાર શુક્લ
કવિતા સર્જન વિષે
તુષાર શુક્લ

શિશુભાવે

બેઠો છે ચરણોમાં

આંખો અપલક મંડાઈ છે

વડીલના હાથમાં રહેલ કાગળ પર

કાગળમાં તરફડતા

પોતાના અક્ષર પર.

અંતે

ભારે નંબરના ચશ્માના કાચ પાછળથી

એમની આંખો ખૂલી

શિશુને આશા બંધાણી

એમના હોઠ ફફડ્યા

શિશુએ કાન માંડ્યા

“આ કવિતા નથી જ.”

લગભગ

Death warrant પર સહી કરી

કલમની ટાંક તોડતા

ન્યાયાધીશ જાણે.

ને

શિશુ કવિ મૂંઝાતો ઊઠ્યો.

નીકળ્યો તો

કવિતા પદારથની શોધમાં

Sorry

ઓળખમાં.

અને

એની ભૂલ એને લઈ ગઈ

બ્રહ્મજ્ઞાન સુધી

કે

કવિતા એટલે શું

હજી સુધી કોઈને લાધ્યું નથી.

કવિતાની વ્યાખ્યા કરતાં વાક્યો

અરસ પરસ એકમેકને

ઊભા છેદે છે.

અને

એમાં અટવાતા

અનેક કવિજનની કલમે

લખાતા ભૂંસાતા

ડૂચો વળી આમતેમ ઊડે છે

શબ્દ,

અને એના ઘોંઘાટથી ગાઉ દૂર,

કોઈના હૈયેથી હોઠે આવી

કોઈ પંક્તિ હસે છે.

કવિતાની વ્યાખ્યાઓથી અજાણ

અબૂધ અજ્ઞાન

ગાય છે એનાં હૈયે ઊઠે તે ને તેમ.

એના શબ્દો છે એનાં પરમાણ.

યુનિવર્સીટીના ટાવરની ઘડિયાળના કાંટે લટકે છે કવિતા?

ચાર રસ્તે ચગદાય તે કવિતા?

પાન સાથે ગાળ જેમ થૂંકાય તે કવિતા?

હવ્વડ કૂવામાં પડઘાય કવિતા?

ભૂખ્યાને ચાંદમાં દેખાતો રોટલીનો ટૂકડો છે કવિતા?

પરુ નીકળતું ગૂમડૂં છે કવિતા?

લીલાશ, ભીનાશ, ઝાકળ, ગુલાબ, કામિની કોકિલા કેલિ કૂજન છે કવિતા?

બુલબુલ, સૈયાદ, જામ, સાકી, ફના, ખંજર છે કવિતા?

વીજળીનો ચમકારો થાય તો

પરોવાય કવિતા?

नेति नेतिનો ઉચ્ચાર ક્યાંથી સંભળાયો?

તો પેલી વારતા જેવું થયું, ભૈ!

ચાવીના ઝૂડામાંથી

કઈ ચાવી તાળું ખોલશેની મથામણમાં

તો જોયું નહીં કે

દરવાજો તો

સ્હેજ અમથો આડો કરેલો હતો...

એક હળવો હડસેલો

ને અજવાળું ઝાકમઝોળ,

કવિ.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.