hwe mane kawita lakhtan aawDi chhe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હવે મને કવિતા લખતાં આવડી છે

hwe mane kawita lakhtan aawDi chhe

જાગૃત ગાડીત જાગૃત ગાડીત
હવે મને કવિતા લખતાં આવડી છે
જાગૃત ગાડીત

ઘણાં વર્ષો પછી હવે,

મને કવિતા લખતાં આવડી છે.

હવે,

હાથમાં પેન ધ્રૂજયા નથી કરતી કલાકો સુધી

હૃદયમાં કોઈ આતંક નથી છવાતો એક શબ્દને

કાગળ પર ઉતારતાં.

મને સમજાઈ ચૂક્યું છે કે કોઈ ઉલ્કાપાત નથી

થઈ જવાનો કાગળ ઉપર.

કવિતા લખવી પણ એક કામ છે,

બીજા કોઈ પણ મહેનતના કામ જેવું.

હું ખડ્ડૂસ કવિ થવા માંડ્યો છું,

આરામથી ચા પીને બેઠાં બેઠાં ચારપાંચ

કવિતાઓ લખી કાઢું.

કવિતા કોના માટે? શા માટે? આવા પ્રશ્નોથી

પણ પર થઈ ચૂક્યો છું.

કવિતાને વધુ ને વધુ શુદ્ધ કરતા જવાના પ્રયત્નો

હવે હું કરતો નથી.

જ્યારે જેવી લખાય તેવી

લખી નાંખવી.

મને ખબર પડી ચૂકી છે કે

કવિતા તો હોય છે તમે ચાહતા હો છોકરી જેવી

અધૂરી અને અપ્રાપ્ય!

સ્રોત

  • પુસ્તક : પરબ - જાન્યુઆરી 2016 (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : યોગેશ જોશી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2016