કવિતા ન કરવા વિશે કવિતા
Kavita Na Karva Vishe Kavita
જયન્ત પાઠક
Jayant Pathak
કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
સરોવરો સુકાઈ જાય?
નદીઓ વહેતી થંભી જાય?
ડુંગરા ડોલી ઊઠે?
ઘાસ ઊગતું બંધ થઈ જાય?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય?
ના, ના, એવું એવું તો ના થાય –
પણ... પછી
જલપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુનાં ફૂલ ના ફૂટે,
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊંચે ના જાય.
કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ તો કશું ના થાય
-એટલે કે કશું થાય જ નહીં!
સ્રોત
- પુસ્તક : વગડાનો શ્વાસ (પૃષ્ઠ ક્રમાંક 127)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1978