સારો કવિ
saaro kavi
કે. સચ્ચિદાનંદન
K. Satchidanandan

સારા કવિના કંઠમાં
ચંડોળ બેઠું હોય છે.
સારા કવિની છાતીમાં
હૃદયને બદલે સંતરું હોય છે.
એની નિશાની
ગુલાબ પર ગોઠવેલું કાંટાળું પીંછું હોય છે.
સારો કવિ બરોબર જાણે છે
ક્યા વિષયો કાવ્યમય છે.
અમથા અખતરાને ખાતર પણ
સારો કવિ છંદથી તસુય આઘો જતો નથી.
એણે સઘળી અલંકાર-શૈલીઓ પર
પ્રભુત્વ મેળવી લીધું હોય છે.
એ ચોક્કસપણે જાણતો હોય છે કે
સૂર્યોદય કે સૂર્યાસ્તનું વર્ણન કઈ રીતે કરવું,
કોઈ પર્વત કે સમુદ્રનું.
કવિતાની કથન-કળાનો એ નિષ્ણાત હોય છે.
એને દરેક શબ્દનો અર્થ ખબર હોય છે,
દરેક પવનની દિશા.
સારા કવિને
મહાકાવ્ય લખતાં આવડતું હોય છે.
હું
સારો કવિ નથી.
(અનુ. કમલ વોરા)



સ્રોત
- પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 109)
- સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2023