kawini sampatti - Free-verse | RekhtaGujarati

કવિની સંપત્તિ

kawini sampatti

મનીષા જોષી મનીષા જોષી
કવિની સંપત્તિ
મનીષા જોષી

મારી પાછળ મૂકી જવા માટે

નથી મારી પાસે

કોઈ પુત્રના ચહેરાની રેખાઓ

કે નથી કોઈ પ્રેમીએ લખેલું અમર કાવ્ય.

દેશ પણ ક્યાં હતો મારો?

હું બોલતી રહી એક દેશની ભાષા

કોઈ એક બીજા દેશમાં

ને પ્રવાસ કરતી રહી

કોઈ એક ત્રીજા દેશમાં.

મારા ઘરની બહાર ઊગેલા

ઘાસની નીચે વસતાં જીવડાં

ચૂસતાં રહ્યાં મારી સ્મૃતિની ભાષાને

જાણે આરોગી રહ્યા હોય

લીલા ઘાસની નીચે સૂતેલા

મારા જન્મના દેશના મૃતદેહને

અને હું લખતી રહી કવિતાઓ

સ્મૃતિ વિનાના, સફેદ થઈ ગયેલા શરીરની.

હરિત ઘાસ જેવું

જો કોઈ સ્વપ્ન હોત મારી પાસે

તો મેં જગાડયો હોત

સૂતેલા દેશને.

ઘરના તમામ બારી-બારણાં ખોલી નાખીને

મેં પ્રવેશવા દીધો હોત દેશને, ઘરની ભીતર

પણ મારી પાસે નથી હવે કોઈ સ્વપ્ન પણ

પાછળ મૂકી જવા માટે.

મારી સંપતિમાં હું મૂકી જઈશ

માત્ર મારું હોવું

જે જીવ્યું સતત મારી સાથે

પ્રેમીઓના ચુંબન વખતે

કવિતાઓના પ્રકાશન વખતે

પ્રિયજનોના અવસાન વખતે.

જયાં જન્મ થયો કચ્છના

એક નાનકડા ગામની નદીના કિનારે

શિયાળાની ટૂંકી સાંજે

ભડકે બળતી કોઈ ચિતાના પ્રકાશમાં

આંસુ સારી રહેલાં તીડ

અને ત્યાં રમી રહેલા દેડકાંનાં બચ્ચાં જેવું

મારું હોવું

મારી સંપત્તિ

જે સોંપી જઈશ તને હું.

સ્રોત

  • પુસ્તક : થાક (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સર્જક : મનીષા જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2020