kavi, kavitaane - Free-verse | RekhtaGujarati

કવિ, કવિતાને

kavi, kavitaane

કે. સચ્ચિદાનંદન કે. સચ્ચિદાનંદન
કવિ, કવિતાને
કે. સચ્ચિદાનંદન

હું જ્યારે તને બોલવાનું કહું છું,

ત્યારે તું ગાય છે; ગાવાનું કહું છું

તો ચૂપ રહે છે, તારી બોબડી

બંધ રાખવાનો આદેશ દઉં છું,

ત્યારે બૂમો પાડે છે :

હું કંટાળી ગયો છું, આજ્ઞાકારી હોય

અનુયાયીનું શું કામ?

એક વાર મરણ પામતા એક માણસ માટે

મેં તને પાણી લઈને મોકલી; પણ તેં

એના હત્યારાનું ઘર બાળી દીધું.

મેં તને ઊગતા સૂરજને પોંખવા કહ્યું,

તો તું આવનારી

મધરાતની ચેતવણી આપતી રહી.

શેરીઓને ક્રાન્તિના સંદેશથી ગજવવા

મોકલી, પણ કલ્પાંત કરીને

તેં શહીદોને છેતર્યા.

અનાસક્તિનો ઉપદેશ આપવાનું સોંપ્યું

તો તું પ્રેમગીત ગાતી શેરીઓમાં ફરી વળી.

મારા પ્રિયતમને સંદેશ દેવા મોકલી

તો તું ભગવાં ધારણ કરીને પાછી આવી.

ધરતી કે આકાશ,

તું કઈ માને પેટે જન્મી? અને ક્યાં

હૉસ્પિટલના વૉર્ડમાં કે કોઈ ગટરમાં?

તારું પોષણ કોણે કર્યું, પવને કે સૂર્યે?

તારો ઊછેર એકલતાએ કે ઇતિહાસે કર્યો?

તું ખરેખર મારી કવિતા છો? મારી ભીતર

એવી ઘણી બધી છે?

હું કોણ છું, બોલનાર કે

જેને વિશે બોલાય છે તે?

ઠીક છે. બધું જવા દે. મને કહે,

ગઈ રાતે તું કોની સાથે સૂઈ આવી?

ગંદાં કપડાં પાછળની

કથની શું છે?

(અનુ. કમલ વોરા)

સ્રોત

  • પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 157)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023