
તખ્તાપલટ પછી
નેરૂદાના બગીચામાં, એક રાતે,
સોલ્જરો તૈનાત કરવામાં આવ્યા
ઝાડવાંની ઊલટતપાસો કરવા ફાનસ ઊંચકતાં
નીચે પડેલા પાણાઓમાં ઠોકર-ઠેસ ખાતા,
ગાળો બોલતા.
બેડરૂમની બારીમાંથી જોતાં,
એ લોકો,
સદીઓ પહેલાંના કોઈ તાજા ડૂબેલા યુદ્ધજહાજમાંથી તરી નીકળી,
દરિયા કાંઠે લૂટફાટના ઇરાદે આવી પહોંચેલા
આક્રમક વિદેશી વિજેતાઓ જેવા દેખાઈ શકે.
કવિ મરતા જતા હતા
કૅન્સરે એમના બદનમાં આગ લગાડી દીધી હતી
અને બિછાનામાં આળોટી આળોટી ભડકા બુઝાવવા માટે
એમને છોડી દેવાયા હતા.
તોપણ જ્યારે લેફ્ટેનન્ટ ઉપલે માળે ધસી આવ્યા
ત્યારે નેરૂદાએ એમની બરાબર સામે જોઈને કહ્યું :
તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે : કવિતા.
લેફ્ટેનન્ટે અદબથી પોતાના માથેથી ટોપો ઉતાર્યો
સેનોર નેરૂદાની માફી માગી
ને દાદરા ઊતરી ગયો.
ઝાડવાં પર લટકાવેલાં ફાનસ એક બાદ એક બુઝાવા લાગ્યાં.
આજકાલ કરતાં ત્રીસ વરસથી
અમે તો ગોત કરીએ છીએ
એવા બીજા એક મંત્રની
જેને બોલતાં
બગીચામાંથી બંદૂકધારીઓ છૂ થઈ જાય.
(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)



સ્રોત
- પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2023