hun - Free-verse | RekhtaGujarati

તારલામાં

કોઈની ટગરટગર જોઈ રહેતી આંખ શોધું

એટલો હું કવિ નથી.

શિયાળાની ઠંડીથી

સગડી સળગાવી હું બચી જાઉં છું,

પણ

રાતની એકલતા પર કવિતા રચતાં મને હજી

આવડ્યું નથી.

તમારી જેમ હું પણ

ઘડિયાળમાં વાગેલા જોઈને સવાર પામું છું;

ક્ષીણ થતી રાતરાણીની ગંધમાં

સવારનું આગમન મારાથી કળાયું નથી.

કોઈના ઈરમીશ જેવા પ્રેમને

આરસમાં કંડારી શકું એટલે ધનાઢ્ય નથી.

અને તેથી...

તેથી તો હું મણિલાલ ભગવાનજી દેસાઈ છું...

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2