karamshi peer mate - Free-verse | RekhtaGujarati

કરમશી પીર માટે

karamshi peer mate

પ્રબોધ પરીખ પ્રબોધ પરીખ
કરમશી પીર માટે
પ્રબોધ પરીખ

આજ સુધી કેટકેટલી જગાએ પૃથ્વીને રસમય થતી જોઈ છે!

ટેકરીના ઢોળાવ પરથી ઊતરતાં,

ન્યુ મેક્સિકોના ખુલ્લા આકાશ નીચે

એકાએક ખીણમાં ઝળહળી ઊઠેલા આલ્બેકર્કી શહેરના રત્નજડિત રોમાંચમાં

કે કોઈક સાંજે, મેદાનમાંથી પાછા વળતાં,

મરીન લાઈન્સ સ્ટેશન પાસેના ફાટક ઓળંગતાં,

અચાનક પસાર થઈ જતી ઇલેક્ટ્રિક ટ્રેઇન કે અરબી સમુદ્ર પરના આકાશના રંગમાં ભળતાં,

કે મોટી નાતનો જમણવાર હોય ચંપાવાડીમાં

અને પતરાળામાં પીરસાતું જતું હોય રસાદાર બટાકાનું શાક, મમરી,

પડિયામાંથી ઢળી પડતી દાળ

અને ઘેર પાછા વળતાં સ્વજનોની વાતચીતોનો રણકાર,

ક્યાંક તેમાં વહાલથી કોઈકનું કહેવું : આયો ભઈ!

અને તારમાં ભેરવાઈ ગયેલા પતંગમાંથી સુસવાટાબંધ વહી જતો પવન,

તાંબાના લોટામાંથી છલકાઈ આવતું પાણી બરાબર

મોટીબાનો મંત્ર જાણે, હૂંફાળી રજાઈ બની આવરી લેતો,

એવો પવન, વહેલી સવારે બરફથી છવાઈ ગયેલા ગામમાં, રસ્તાઓમાં ફેરવી આવે

માદક ઘેનનાં વાદળાં શરીરમાં ઊતરી આવ્યાં હોય, બસ એવો જ,

પૅરિસની નદી પાસેનો, મ્યુઝિયમોમાંથી, ચિત્રોના રંગોમાંથી સરળતાથી નીકળી જઈ,

છેક ઘર સુધી આવી વસી જતો અને પછી ચારેબાજુ ફેલાઈ જતો

પૃથ્વીના કેટકેટલા ખૂણાઓમાં જાગી જવાયું છે

પબના આછા અંધારામાં, ન્યુ યૉર્કની જૅઝ ક્લબોમાં,

કાળી ચામડીને આરપાર વીંધી, ફરી વળતા પિપૂડીઓના આરોહઅવરોહની

લીલાથી રસાયેલા પ્રાણને પુલકિત કરતા

કે ઢોલનગારાના તાલે નાચી ઊઠતા માનવીઓના મેળાની વચ્ચોવચ

મંજીરાની ધૂનમાંથી વહી આવતા પડઘાઓમાં ભળી જતા :

અભંગ વાણીના સૂરે

કે પછી આગલી રાત્રે સળગાવેલી હોળીની પ્રદક્ષિણા કરતા

ઊડી આવેલાં તેજનાં કિરણોથી ભીંજાઈ

ચિત્તનાં સ્પંદનોના મહારાસમાં એકાદ ગરબી લેતા સમૂહમાં જોડાઈ,

કે લયમાં નીંદર આવી ગઈ હોય

કેટકેટલાં ઘરોમાં, ખેતરોમાં, સ્ટેશનો પર પૃથ્વીને ખૂલી જતા જોઈ છે

એવી જ, જાણે સૂર્યના તેજમાંથી ઊતરી આવી હોય,

અંગેઅંગને આદિમ ઘેનનાં વર્તુળોમાં અજવાળી દેતી, જરાકમાં દેખાઈ સંતાઈ જતી,

પડોશની બાલસખીના ખુલ્લા શરીરમાંથી ધસી આવતી જાણે, બાળતી અને ઠારતી,

રાતોરાત વીર્યના કુવારાઓમાં ડુબાવતી, પહેલવહેલા સ્પર્શની, અરીસા તોડતી, બારીબારણાં

ઓગણતી

આજ સુધી કેટકેટલા ભેરુઓ સાથે બાથ ભીડી છે

આવજો કહ્યું છે રાતોની રાત

વસવાટ કર્યા છે

કેટકેટલા અંતરોમાં વાણી ગૂંથાઈ જતાં જોઈ છે

હશે, ક્યાંક તો, ભર્યાભર્યા આકાશની ગુફાઓના અતલ ઊંડાણમાં,

સતત વેરાઈને સંઘાઈ જતા, ભાતભાતનાં સ્વરૂપોમાંથી

પૃથ્વીમાંથી અગ્નિ થઈ, અગ્નિમાંથી સ્મૃતિ થઈ, વેદના થઈ, કાળમીંઢ પથ્થરોની

નસોમાં ઘૂંટાઈ જઈ, સમુદ્રમા વહી જતા,

ભીતરની ગુફાઓમાંથી પ્રસરી વેરવિખેર થઈ વિસ્તરતા આકાશ નીચે

અણુપરમાણુની અથડામણમાંથી પ્રજ્વળિત થઈ સતત જાગૃત રહેતાં

સંવેદનો યથાર્થ હશે ક્યાંક તો

ક્યારેક, પિતાના વિશાળ બે હાથોમાંથી હવામાં ઉછાળેલા બાળકના જીવને

ફરી પાછા, ઝીલી લેતી સ્નેહાળ પકડમાં

હશે એકાદ અંશ સત્યનો

હશે, સ્તન પર માથું ઢાળી પોઢી ગયેલા ચૈતન્યનો જડ સાથે પણ કોઈ નાતો

અને અજાણ્યા જણની વાતોમાં પણ પાંગરતી હશે મુક્તિની વાતો,

હશે, ક્યાંક તો હશે

ઘરમાંથી નીકળી નામશેષ થવા આતુર ચેતના પ્રસાદનું નામ,

જ્યાં તરંગો શમ્યા હોય, પ્રવાહોને વળી હોય શાતા

પુસ્તકોમાંથી ઊમટી આવતા દેશકાળોનું પણ હશે ક્યાંક સ્થાન,

જેના વટવૃક્ષ હેઠળ સ્થિર મુદ્રામાં બેઠા હશે

વ્યાકુળ ક્ષિતિજની પેલે પાર અને અહીં

હશે, ક્યાંક તો

આવતી કાલની પૃથ્વીમાં

મારું પણ આવવું-જવું.

સ્રોત

  • પુસ્તક : સાહચર્ય (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : ગીતા નાયક, અજય સરવૈયા
  • પ્રકાશક : સાહચર્ય પ્રકાશન
  • વર્ષ : 2013