કામરૂપ દેશ જોયેલો
રાયણના છાંયડે,
આકાશની આ બાજુ,
પાતાળલોકના અજવાળામાં,
પિતાજીની પાંપણ અને ભ્રમર વચ્ચે
જોઈને સાંભળી રહેવાનું–
એ કહેતા જાય શિવશક્તિની વાત
ને પ્રત્યક્ષ થાય પૂર્વોત્તર પ્રભાત.
બ્રહ્મપુત્રને ઘાટ નહાતાં પાર્વતી,
પર્વતને ઉંબરે ઊભેલા શિવ,
ઋતંભરા સ્વયંપ્રભા કાયા સતીની.
શિવ સ્વયંભૂ યુવા યોગી અહર્નિશ,
ભોગી નહીં,
દેવોના સેનાની કાર્તિકેયના જનક ત્રિનેત્રેશ્વર.
વૈભવના દર્પમાં શું જાણે દક્ષ
ભભૂતધારી ભૂતનાથના જટાજૂટનો મહિમા?
ક્ષિતિજની સાક્ષીએ
વનરાઈની રક્ષા કરતા ખેડુ જાણે.
શિયાળાની રાતે સપ્તર્ષિ નમતાં
તાપણું સંકોરાય ને કામરૂ દેશની
કથાઓ ચાલે.
વચન વિમાન બને.
શેઢે બેઠાં બેઠાં
ચાર ધામની જાતરા થતી રહે.
પિતાજી સમજતા શિવનું સ્વરૂપ.
એમને તાંડવના અનુગામી તાંદુલની,
કામરૂપ કલ્યાણની
જગતનાં માતાપિતાની,
શિવની શક્તિની, શક્તિના સૌંદર્યની
સવારસાંજ ઝાંખી થતી.
આખી સૃષ્ટિને લેખી હતી
એમણે મહામાયાની વિભૂતિ
તેથી કશા વળગણ વિના
વાત કરતા પિતાજી :
ફૂલમાંથી ફળ થતા અવસરની,
માળામાં ઈંડું મુકાવાના પ્રસંગની,
પંખીની પાંખ નીચે ઊઘડતી
બચ્ચાની આંખોની અધીરાઈ સમજાવીને
અમારી વચ્ચે દોડી આવેલી ખિસકોલીની
પીઠ પર ફરેલી સીતાજીની આંગળીઓની
છાપની
યાદ આપી અટકી જતા
જાણે અશોકવનમાં પહોંચી ગયા ન હોય!
વજ્રઅંગ બની.
જાનકીનાં ટેરવાંની કુમાશ વિશે
એમણે કહેવું ન પડતું.
કલ્પી શકાતું,
કલ્પના અનુભૂતિ બને એવું ત્યારે બનતું.
રાયણને છાંયે બેઠાં બેઠાં
પૂર્વજન્મમાં જઈ શકાતું.
હે દેવી કામાખ્યા!
હું આપનાં દર્શને આવ્યો એની સાથે
મને મોટું ફળ મળ્યું.
પદવીથી પર રહેલા પિતાજીની
ભવોભવની સ્મૃતિનો અણસાર આવ્યો.
આપના કૃપાકટાક્ષથી સર્જાયેલાં
અમારી સીમના આકાશનાં નક્ષત્રો થકી
થયેલો એ અનુગ્રહ એ જ એમની સ્મૃતિમતિ.
ઘઉંની ઊંબીના દાણામાં
ધરતીની છાતીનું દૂધ ભરાય છે
તારાં નક્ષત્રોની સાક્ષીએ
હે દેવી કામાખ્યા!
તારા માતૃત્વનો અનુભવ થયો મને
આ ગિરિશૃંગના આંતરસ્ત્રોતમાં.
હે દેવી કામાખ્યા!
આપના મંદિરના ગર્ભગૃહમાં
દીવે દીવે ઝગે પાતાળનો પ્રકાશ.
એક છે આખું બહિરંતર અસ્તિત્વ ને સત્ત્વ,
નખશિખ દેહાત્માનું ઉત્સર્ગબિંદુ
સામા દીવા ઘીના
જાણે તેજનાં શિલ્પોની શ્રેણી.
શક્તિની મેખલા.
સર્વ અલંકારોમાં સુંદરતમ છે
આ મધ્યમાલા.
શ્રોણીભારાત્ અલસગમના નારી
અલકાપુરીમાં હોય કે અયોધ્યામાં,
સીતા હોય કે કૌશલ્યા
એ ચેતના છે સૌમ્ય ઋજુ સંચારની.
પ્રત્યંચા છે શિવધનુષ્યની,
પ્રતીક્ષા છે પરશુરામની,
શક્તિપીઠ છે દુરિતના સંહારની.
શિવજીના મુખે કહેવાતી રામકથા
અરણ્યકાંડથી સુંદરકાંડ પહોંચે છે.
પિતાજીને યાદ આવે છે હનુમાનજી –
બુદ્ધિમતામ્, વરિષ્ઠમ્.
શનિવારનો ઉપવાસ એ અચૂક કરે.
રવિવારની સવારે પૂર્વમાં ઊગેલા ફળને
પકડવા કૂદેલા હનુમાનજીને
માતા અંજનાની વાણીમાં વારે.
બ્રહ્મચારી અર્થાત્ બ્રહ્મવિહારી
હનુમાનજી માતા સીતાનાં આંસુ જુએ,
અષ્ટમીએ શ્રી રામ આપની આરાધના કરે
હે સિંહવાહિની દેવી
આપના વરદાને વિજયાદશમી આવે.
મારા માટે આપનાં દર્શન એ જ વિજય
દેવી કામાખ્યા!
આપની મધ્યમાલાના ફૂલની સુગંધ
લઈને આવ્યો મહાનદતીરે
ત્યાં ગુવાહાટીના મિત્રોએ કહ્યું :
તમારે ફરી આવવાનું થશે.
આવવું એટલે અવતરવું.
જનમોજનમ અવતાર માગવો.
હું આવું, દીકરો કે દૌહિત્રી આવે,
સ્વકીય સ્તુતિના બે શબ્દ લાવે
કે સ્મૃતિમાં ચિત્ર દોરી
બ્રહ્મપુત્રના જલરાશિમાં
આ મંદિરનું પ્રતિબિંબ જુએ.
કે મારા ગામનો ગોવાળ
વાછરડું શોધતાં શોધતાં
આપનો સિંહ બની જાય
કે જાગવાની ઉતાવળમાં કૂકડો બની
ગુવાહાટીથી બેચરાજી પહોંચી જાય.
હેમંતમાં અહીં વહી આવતી કામરૂ હવા
અગિયારમી સદીમાં કુકકુટ ધ્વજ ફરકાવતી
હતી.
રામગિરિથી અલકા જતા મેઘને
ઉજ્જયિનીથી ભૂલો પડવા જઈ
કાલિદાસે પ્રાગજ્યોતિષપુરનો
વિસામો આપ્યો હોત તો
આ નીલાચલ પર્વત પર બેસી
પિતામહ બ્રહ્માએ
નક્ષત્રોનાં સ્થળ નિયત કરી
જગતની સૃષ્ટિ કરી હતી,
એનો મર્મ મેઘ સાથે હુંય પામી શકત.
હે કામાખ્યા દેવી
કાલિદાસનો મેઘ ભલે
હિમશિલાની ઊંચાઈએ જઈ બેઠો,
દ્વારકાથી શ્રીકૃષ્ણ આવેલા
તે ક્ષણે મારી સોળસહસ્ર શિરાઓ
સચેતન બનેલી.
રુક્મિણી–રાધા વચ્ચે
સ્વગત સંવાદ સધાયેલો.
અનિરુદ્ધની રાણી ઉષાએ
રાસ રચેલો એ ઓખામંડલથી
વિરાટના હિંડોળે ઝૂલતો ઝૂલતો
મારા ગામના શિવમંદિરે ઊતરેલો.
પિતાજીએ ઉપાડેલી ગરબીમાં
ઘૂમે છે મારું બાળપણ,
નવરાત્રિમાં રમે છે મારાં પૌત્ર–પૌત્રી.
મારાં? જગધાત્રીનાં.
હું તો માત્ર યાત્રી...
માર્ચ ૨૦૦૧
સ્રોત
- પુસ્તક : પાદરનાં પંખી (પૃષ્ઠ ક્રમાંક 40)
- સર્જક : રઘુવીર ચૌધરી
- પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
- વર્ષ : 2007