kalun patangiyun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાળું પતંગિયું

kalun patangiyun

પુરુરાજ જોષી પુરુરાજ જોષી
કાળું પતંગિયું
પુરુરાજ જોષી

હમણાં હમણાંનું

રોજ રાત્રે

જગત જંપી ગયું હોય અને

હું મારી જાત સાથે સંવાદ સાધતો હોઉં

સમયે

એક પતંગિયું

ક્યાંકથી આવતુંકને

બેસે છે મારા હાથ પર,

ખભા પર.

મસ્તક પર.....

એનો અવાજ

હું સાંભળી શકતો નથી

પણ લાગે છે કે

મને કશુંક કહી રહ્યું હોય છે.

રેશમી, કાળું, નાજુક પતંગિયું

શું કહેતું હશે મને?

શા માટે રોજ રાત્રે આવીને

આટલા વ્હાલથી સ્પર્શતું હશે મને?

પણ

આવતું હશે ક્યાંથી?

બારી-બારણાં તો

સમી સાંજનાં ભીડી દીધાં હોય છે.

બારી-બારણાંની

કોઈક તિરાડમાંથી આવતું હશે?

કે પછી

દિવસે ઘરના કોઈક અંધારા ખૂણે

સંતાઈ રહેતું હશે?

અને રાતના એકાંતમાં

થોડી વાર પછી

હું એને ખોળું છું–

ક્યાં ગયું હશે એ?

ઘરના કોઈ ખૂણે, ક્યાંય

એના સગડ મળતા નથી.

છેવટે

એને વિસારે પાડી

કામમાં ગૂંથાઉં છું

ત્યાં

અચાનક

મારી ભીતર

મસૃણ

કશુંક

થરકતું લાગે છે......

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 234)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004