kakkajini a kawita! - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કક્કાજીની અ-કવિતા!

kakkajini a kawita!

ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત શેઠ
કક્કાજીની અ-કવિતા!
ચંદ્રકાન્ત શેઠ

કક્કાજીને કાજે કવિતા નથી આ.

ને બહેરી બારાખડી માટેની બોલી નથી આ.

છંદની હજાર વર્ષ જૂની ચાલથી

ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો?

ગદર્ભો તો હજુયે ગોવર્ધનરામના ગોદામમાંથી ગદ્ય લાવીને

ગાંધી રોડ પર ફરે છે પાઘડી ને ખેસ નાખીને,

પણથી તેથી ટ્રાફિક જામ થવાના

ઘેરા પ્રશ્નો સર્જાયા છે આજકાલ!

મીંચેલી આંખે

ઈસવી સન પૂર્વે જોયેલા એક સૂરજને યાદ કરી

આજના સૂર્યોદય

કાપડની મિલન ભૂંગળાં

ગાયત્રીને બદલે વ્હીસલ સંભળાવે છે

તેથી બેચેન છે બાવન કુલ ભદ્રંભદ્રનાં

તેઓ તો ઇચ્છે છેઃ

ભાષાને ચેાળી ચણિયો ને પાટલીનો ઘેર સજીને

વટસાવિત્રીનું વ્રત કરતી

ને સુકાઈ ગયેલા વડની ચોફેર દિનરાત સૂતરના આંટા

મારતી જોવાને

પણ ભાષાને ભેટી ગયો કોક અલગારી!

કંઈક એવું ઘુસાડયું બખડજંતર એના દિમાગમાં,

કે

એક સવારે

ભાષા

શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી

ચાલવા માંડી અમારી સાથે અમારા રોજના જીવવાના માર્ગે.

ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે!

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1989