kahevani ek vaat - Free-verse | RekhtaGujarati

કહેવાની એક વાત

kahevani ek vaat

બકુલ ટેલર બકુલ ટેલર
કહેવાની એક વાત
બકુલ ટેલર

મૃત્યુ પછી પણ ઘર તારું રહેશે

ઘરની એક ચાવી હંમેશ તારી છે

- ને ઘરમાં પ્રવેશવાના અનેક દરવાજા તું જાણે છે

તારા ચાલવાથી બનેલા રસ્તા ફક્ત તારા છે

તારા ચાહવાથી જે તારા બન્યા તે ફક્ત તારા છે

તારાં સ્વપ્નાઓ ફરી ફરી તને શોધશે

ફરી તને મૃત્યુની ઊંઘમાંથી જગાડશે

ફરી તારી પીડાનાં વ્રણ તને દઝાડશે

તારાં ગાવાનાં ગીત તારે ગાવાં પડશે

તારા માટેનું પાણી લઈ નદીઓ વહે છે

પેલાં પહાડોથી, રણથી, વનોથી હવા આવે છે

ખેતરોમાં તારા માટે ઊગ્યું છે અન્ન, વનરાજીમાં ફળો

તું અગ્નિ, જળ, પૃથ્વી, આકાશ, વાયુમાં

તું ગરુડ, ગીધ, મોર, બપૈયા, ચકલી, જટાયુમાં

તને ફરી અહીંની સવારો ઉછેરશે

સૂર્ય-ચંદ્ર-તારા-નક્ષત્રો તારી સાથે વાતો કરશે

ફરી તને તારા પુનર્જન્મોની કથા કહેશે

પૃથ્વી પરનું બધું શાશ્વત છે

મૃત્યુ હો કે જીવન, હોવું અનંત છે

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : ઓક્ટોબર ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન, મુંબઈ