kagalna wistar par - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાગળના વિસ્તાર પર

kagalna wistar par

દલપત પઢિયાર દલપત પઢિયાર
કાગળના વિસ્તાર પર
દલપત પઢિયાર

ધણથી છૂટા પડેલા ઢોર જેવા

હું

અહીં કાગળના વિસ્તાર પર

રોજ રઝળપાટ કરું છું.

પાનાંનાં પાનાં ભરાય છે, રોજ.

શબ્દની મૉરીએ કશુંક ખેંચાઈ આવશે

આશાએ મથ્યા કરું છું, રોજ.

પણ આજ લગી

એકાદ ગલીનો વળાંક સુદ્ધાં

હું વાંચી શકયો નથી.

હતું કે:

કાગળ–કેડી કોતરી લેશું,

કૂવો–પાણી ખેંચી લેશું,

એક લસરકે ગામપાદરને ઊંચકી લેશું!

શબ્દોની ભીડમાં

મારા શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.

એક કમાડમાં આટલા બધા શબ્દો

વસાઈ જશે એની ખબર નહીં;

બાકી નળિયા આગળ નમી પડત.

હજુયે કૌંછુ કે

મોભારે ચડવાનું માંડી વાળો,

આમ શબ્દો સંચાર્યે

કદી ઘર નહીં છવાય!

બારે મેઘ ખાંગા ત્યાં

નેવાં ઝીલવાનું તમારું ગજું નહીં, જીવ!

તગડી ઊંચી ઝાલીને

અંદર આવતા રો’

એકાદ ચૂવા આંતરી લેવાય ને

તોય ઘણું!

સ્રોત

  • પુસ્તક : ભોંયબદલો (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : દલપત પઢિયાર
  • પ્રકાશક : નક્ષત્ર ટ્રસ્ટ
  • વર્ષ : 1982