aath patangiyan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આઠ પતંગિયાં

aath patangiyan

કમલ વોરા કમલ વોરા
આઠ પતંગિયાં
કમલ વોરા

રાતું પતંગિયું

પતંગિયાની

રંગબેરંગી ઊડાઊંડમાં

પવનના

એક પછી એક દરવાજા

ઊંઘડતા જાય છે.

સોનેરી પતંગિયું

સકળ સૃષ્ટિના રંગ

ખરી રહ્યા હતા

પણે

એક સોનેરી પતિગયું

ક્યાંકથી આવી.

મારા હાથ પર બેઠું

ને મને ઉંગારી ગયું

જાંબલી પતંગિયું

અહીંથી

કાગળ પરથી ઊડી

જુઓ

જાંબલી પતંગિયું

તમારી આંખો સામે

ઊડવા લાગ્યું

ગુલાબી પતંગિયું

હું

પતંગિયું પકડું

ને

મારા હાથમાં આવે છે

તારી આંગળીઓ

પીળું પતંગિયું

અસંખ્ય પતંગિયાં

મારો હાથ

ઢાંકી દે છે.

બાજુમાં પડેલો

કોરી કાગળ

પવન હાથ લંબાવી

ઊંચકી લે છે

સફેદ પતંગિયું

કોઈ

પતંગિયું પકડી લે

તો પતંગિયું

ખોવાઈ જાય

એના હાથની ત્વચામાં

અને નહીં તો.

કાગળ જેવી કોરી આંખોમાં

રંગ વગરનું પતંગિયુ

હમણાં

મારી સોંસરવું

એક પતંગિયું

ઊડી ગયું

હમણાં

હું

હવાથી યે હળવો ને

પારદર્શક હતો.

*

પતંગિયું નથી

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015