kagal - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાગળ

હોય છે જ્યારે કોરો

ત્યારે હોય છે

ખરેખરો કાગળ

સૌથી વધુ ભર્યોભર્યો

તળ-અતળની

અનંત અજાયબીઓ

અકબંધ હોય છે

એની પાસે

અને ખળભળતી હોય છે એનામાં

લેખણની શોધ પહેલાંની

ભાષા

ઘૂંટાયા કરતો હોય છે

અવાજનો આકાર બંધાયા પહેલાંનો

ધ્વનિ

પૃથ્વીના જન્મ પહેલાંની

ગંધો લઈ

ઘૂમરાતો હોય છે

વાયુ

એની ચામડી નીચે

સળવળતી હોય છે

સૃષ્ટિના બીજારોપણની કથાઓ

હું

અક્ષર પાડીને

એને ઉકેલવા મથું છું

ને

ફરીફરીને

મારી નજર ખોડાય છે

અક્ષરો વચ્ચેના

ખાલીપણા પર.

કવિતાને મેં

કાગળથી

દૂર રાખી

આખરે

કાગળ એટલે તો

મારા ટેબલ ઉપર પડેલી

લંબચોરસ આકૃતિ

ભલે ને પછી

આખી થપ્પી હોય

પણ અંતે તો

ચોક્કસ માપમાં

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન ૨૦૧૫ (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2019