kabrastanman - Free-verse | RekhtaGujarati

કબ્રસ્તાનમાં

kabrastanman

ગુલામમોહમ્મદ શેખ ગુલામમોહમ્મદ શેખ
કબ્રસ્તાનમાં
ગુલામમોહમ્મદ શેખ

માણસો ભાંગ્યા અને ધૂળ થઈ એના પેટમાં લીલાં લાબરાં અને પીળા

થોરના હજાર હજાર રાક્ષસો નીકળ્યા. સરગવાનું માંસ ખાઈને

શીળા પવનો નાસી ગયા. ગીધની વાંકી ડોક જેવા, સડેલા લીમડાઓની

બખોલોમાં કીડીઓએ કથ્થાઈ ઘર બાંધ્યાં.

પથરા ખખડી ગયા અને એના પર

કોતરેલાં નામો પણ હવે તો આકાશની છાતી જેવા ચપટાં થઈ ગયાં.

નવી નાખેલ લાલ માટીમાં પાણી બેચાર દિવસ ટક્યું, ત્રીજે દિવસે તો

તરસ્યાં, ભૂખાળવાં એટલાં બધાં વાદળ ઊમટ્યાં કે બધું પાણી પી ગયાં.

આંધળી કીકીઓ જેવા વાડના સીમાડા

મૂંગા, ઉદાસ, મડદાલ ઊભા રહ્યા.

છેલ્લે છેલ્લે તો આથમતા ખૂણાના છીંડામાંથી પ્રવેશતા ઘોરખોદિયાના

પગમાં પેસીને શાન્તિ બધી કબરો પર સૂઈ ગઈ. અત્યારે મોટા ઝાંપાના

બાંકડાની તિરાડોમાં અને નકૂચાઓમાં પણ એણે થાણાં કર્યાં છે.

ઉપર, નીચે, આજુબાજુ, હવામાં ઢીલાં અંગોને ભીંસતી, ગરનાળે વસતા

હડકાયા કૂતરાની આંખોની જેમ ભસતી, શાન્તિ કાદવની જેમ

બધે પથરાઈ ગઈ છે. કાંઈ દેખાતું નથી, બસ, કાદવ, કાદવ, કાદવ...

(જાન્યુઆરી. ૧૯૬૨)

સ્રોત

  • પુસ્તક : અથવા અને (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : ગુલામમોહમ્મદ શેખ
  • પ્રકાશક : સંવાદ પ્રકાશન અને ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2013