
અંધકારના જંગલની સરહદ ઓળંગી, તૂટી શકે તેવાં ડાળખાં તોડી,
એનું જ એક તાપણું મેં ચેતવ્યું છે.
અદબ ભીડી ઊભેલી કોઈ હઠીલી સ્ત્રીને, અંદરથી એ જે ચાહે છે તેવું
હેત કરવાની એક જ રીત બાકી રહી છે.
મનસ્વી પૃથ્વીએ ડાબે હાથે દોથો ભરીને કાઢ્યાં હોય.
ને એનાં પોયણાં સુંઘવાની લાલસાથી પીળા પડી ગયેલા ચંદ્રની સામે
થોડા હેતથી ને થોડા તોરથી ધરી દીધાં હોય, એવાં
આ ભરચક વાંસ-વડ-તુલસી-અને-કરેણ,
પાણીકાંઠે મનફાવે તેમ ઊગી નીકળ્યાં છે.
તાપણના તેજને જરી ગુસ્સાભરી આંખે જોતાં હોય
એ રીતે એમનાં પાંદડાં તાપણાના ભડકામાં ઝળહળ ચળકે છે.
સળગતાં ડાળખાંની અંદર, મેં ધાર્યો નહોતો એટએટલો જે હતો એ રસ
હવે તાપણને ભૂરી, લીલી ઝાળોથી અને ગૂંગળાવી નાખે એવી મહેકથી ઘેરી લે છે.
ડાળડાળખાં અને તાપણા વચ્ચે જાણે પૂરી ન થઈ શકે એવી લડાઈ ચાલી છે.
જો ઝાળભડકાઓમાં એટલું કૌવત નહીં હોય તો એનાં ઇંધણ જ એને બુઝાવી નાખશે.
અને જો ડાળડાળખાંના રસકસ અને જથ્થાદાર ભાર ઓછા પડ્યા. તો
જરા વારમાં હતા-ન-હતા કરી નાખશે એમને, આ ભૂખાળવો અગ્નિ.
જંગલની અંદર આવી, સીમા વળોટી, મેં તો એ રીતે ચેતવ્યું છે તાપણું
કે આ ભડકા અને આ ઇંધણ, કાળાં અને પીળચટાં, કામાતુર
વાઘવાઘણ જેવાં, ગર્જના પર ગર્જના કરતાં, એકમેકને કરડતાં.
એકમેકને ન્હોર ભરતાં. જન્મ આપે જીવનને, સોનેરી શરીરના
ધગધગતા પેટાળમાં.
એથી વધારે મને કંઈ જાણ નથી.
આ જંગલના અંધારામાં કે આ તાપણાના અજવાળામાં
એથી વધારે મને કંઈ દેખાતું નથી.
(માર્ચ, ૧૯૯૫)



સ્રોત
- પુસ્તક : વખાર (પૃષ્ઠ ક્રમાંક 26)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009