pratibaddh - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રતિબદ્ધ

pratibaddh

હિમાંશુ વ્હોરા હિમાંશુ વ્હોરા

હે ખુલ્લી જગાઓ

તમે મને સતાવો નહીં

હું ફેક્ટરી નાખવાનો વિચાર કરું છું

હરિયાળાં જંગલો

મને લલચાવો નહીં

મારે તમારાં લાકડાંનું કામ છે

હે આકાશનાં વાદળો

મને આકર્ષો નહીં

મારે ધુમાડો છોડવો છે

હે સુરીલાં વહેણો

મને મોહિત કરો નહીં

મારે તમને બંધમાં બાંધવાં છે

હે લીલાછમ ડુંગરો

મને લોભાવો નહીં

મારે તમને વીંધી નાખવા છે

હે કુદરતના પ્રેમીઓ

મને ચળાવો નહીં

હું પ્રગતિ કરવા પ્રતિબદ્ધ છું

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 365)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004