jangalni manjri - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જંગલની મંજરી

jangalni manjri

મકરંદ દવે મકરંદ દવે
જંગલની મંજરી
મકરંદ દવે

મુંબઈ નગરીમાં કોઈ આંબો મ્હોરે તો

એની મંજરીને રામ રામ કે’જો!

એનાં મીઠાં ઓવારણાં લેજો.

ઊંચા સિમેન્ટના ડુંગરની ધારે ને

કાળી ડામરની તળેટીએ,

જંગલની મંજરી આવી ચડી છે અહીં

પાણા તે ફોડવાને પેટિયે;

ઊઘડતી આંખ એની બિડાતી જાય તો

અમરતનાં છાંટણાં દેજો!

ભમરાનો ઘેરો ગુંજાર નથી ઘેરતો ને

કોયલની કૂક નથી ઘેલી,

ભૂંગળાના ઘોંઘોંમાં હરખાતો જાય અહીં

ભોંયતેલ વેચતો તેલી;

ઝેરી ધુમાડામાં મંજરીના મુખ પરે

ઝરણું બનીને કોઈ વ્હેજો!—

ક્યા રે જનમનાં પાપ આજ પાંગર્યાં ને

પથ્થર બનવાની આવી વેળા,

આના કરતાં તો ભલી જંગલની ઝાળ,

ભલે અંગ અંગ ઊઠતા ઝળેળા;

મુંબઈ નગરીમાં આજ છડેચોક ઊડે છે,

રાન રાન છોરીનો રેજો.

સ્રોત

  • પુસ્તક : ગુલાલ અને ગુંજાર (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : ઈશા-કુન્દનિકા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997