એક હતું ધંગલ
ek hatun dhangal
કમલ વોરા
Kamal Vora

એક હતું ધંગલ
ધંગલનો રાજા એક ત્સિંહ હતો
ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને થાઈ ધાય...
એટલું બોલતાં બોલતાંમાં તો
વૃદ્ધ હાંફી જાય છે
ફરી શ્વાસ ભેગો કરી બોલે છે
ધંગલના બધ્ધા પ્લાનીઓએ
એક સભા કલી
ત્સિંહનો હુક્મ, રોજ એક પ્લાની દોઈએ
એક સત્સલું કેય કે
હું રાજાને છેતલું
બધ્ધા પ્લાનીઓએ એને લોયકો
પણ સત્સલું તો ગિયું ત્સિંહ પાસે
અહીં
વારતા અટકી ગઈ કારણ
વૃદ્ધ ભૂલી જાય છે કે
સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું
એ ખૂબ યાદ કરવા મથે છે
આંખો ચકળવકળ ઘુમાવે છે
અકળાય છે
પણ એને
આગળનું કંઈ જ યાદ નથી આવતું
અધૂરી રહી ગયલી વારતામાં
જંગલનું સિંહનું
અને સસલાનું
અને વૃદ્ધનું હવે શું થશે...
એની તોઈને થબલ નથી.



સ્રોત
- પુસ્તક : વૃદ્ધશતક (પૃષ્ઠ ક્રમાંક 25)
- સર્જક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2015