thak - Free-verse | RekhtaGujarati

થાક, ઊતરાર્ધનો

થાક, પૂર્વાર્ધનો

અને થાક મધ્યનો તો ખરો જ.

બહારગામ જતી વેળા

ઘરની કોઇક ખૂલી રહી ગયેલી બારીમાંથી

ઘરમાં પ્રવેશી ગયેલી કોઇ નોંધારી બિલાડીની જેમ

થાક, ઘર કરી જાય શરીરમાં.

એક પછી બીજી સવારનો

બપોર પછીની સાંજનો

ઢળતી સાંજ પછીની રાતનો

મળસ્કે પરાણે ઊઘડતી પરોઢનો.

કુમારિકાઓ જમાડો

વૈદ-હકીમોને બોલાવો

કે પછી ભૂવા ડાકલા વગાડ્યે

નહીં જાય થાક હવે.

થાક, રોજેરોજ દાંત ઘસવાનો

શરીરે સાબુ ચોળવાનો

કપડાં પહેરવાનો, ને ફરી કપડાં ઉતારવાનો.

થાક ઊંઘવાનો, થાક જાગતા રહેવાનો

થાક લખવાનો, થાક નહીં લખવાનો…

નાનપણમાં મેં દોર્યું હતું, એક કુદરતી દૃશ્ય -

બે પર્વતો વચ્ચેથી ઊગી નીકળતો સૂરજ

નીચે ઘાસના મેદાન પર બાંધેલું એક ઘર

બાજુમાંથી પસાર થતી એક નદી

અને નદીમાં તરી રહેલી એક હોડી

અને હા, ઉપર આકાશમાં ઊડી રહેલાં થોડાં પક્ષીઓ.

બધું હવે મારી એક જર્જરિત નોટબુકમાં અકબંધ છે.

ચિત્રમાં હવે મને દેખાય છે,

થાકથી સ્થિર થઇ ગયેલું, પક્ષીઓથી ભારેખમ આકાશ

અને સ્થગિત થઇ ગયેલી નદી પાસે બાંધેલા પેલા ઘરમાં

હું જોઇ શકું છું, એંક નોંધારી બિલાડી

ચોરપગે પ્રવેશી રહેલી.

થાક, કવિતાનો

કવિતા લખવાનો થાક અને રોજ સવાર-સાંજ દાંત ઘસવાનો થાક

આમ તો બંને સાવ જુદી બાબતો છે, પણ થાક તો ખરો ને?

સવારે ઊઠીને બ્રશ કરતી વખતે અરીસામાં જુઓ તો

ઊંઘથી લથબથ આંખોનાં ભારે પોપચાં દેખાય

અને પછી રાત્રે સૂતાં પહેલાં બ્રશ કરતી વખતે

ફરી અરીસામાં જોવાની હિંમત કરો તો

ચહેરા પર કરોળિયાનાં જાળાં બાઝેલાં દેખાય.

જયારે કવિતા લખતી વખતે

સામે જુઓ તો, હોય એક કોરોકટ કાગળ.

ધોળુંધફ આકાશ કે ઊંડી ખીણ

કે કૂવાનું સૂકાયેલું તળ કે ઝેરી ઘાસનું મેદાન…

કંઇ કળાય નહીં.

કાળા, મરોડદાર અક્ષરો ધીમે ધીમે કાગળ પર ટપકે

થોડી લીટીઓ લખાય અને પછી અક્ષરો થાકી જાય.

ઊંચાં, લહેરાતાં ઘાસનાં મેદાન પર ઊગેલો સૂરજ દેખાય

અને પછી કલમ અટકી જાય.

અહીંથી આગળ હવે કયાં જવું?

થાક, થાક, અથાક થાક.

ગાંડો સૂરજ અગ્નિ ઓકયા કરે

પીળા ઘાસનું મેદાન સળગ્યા કરે

પીળા દાંત ઘસાતા રહે

કાગળ પર અક્ષરો ઊપસતા રહે, થાકેલા

અને અર્થ,

કોઇ રાજાએ શિકાર કરીને દીવાલ પર શણગારેલા

વાઘના ખાલી શરીરમાં ભરેલા ઘાસ જેવા

ડોકિયું કરે

વાઘના નિર્જીવ, વિકરાળ દાંતમાંથી.

થાક, બપોરની ઊંઘનો

ગઇ કાલે રાત્રે જયારે હું ભરઊંઘમાં હોઇશ ત્યારે

થોડોક ઝીણો ઝરમર વરસાદ પડયો હોવો જોઇએ.

જમીન તો ખાસ ભીની નથી દેખાતી

પણ બારી બહાર ઉગેલાં છોડનાં

નાનકડાં, કુમળાં પાંદડાં પર

કયાંક-કયાંક પાણી અટવાયેલું દેખાય છે.

આમ તો આજકાલ ઊંઘ બહુ ઓછી થઇ ગઇ છે

પણ જયારે ઊંઘ આવે ત્યારે એવી આવે કે

સાત-આઠ કલાકમાં સાત-આઠ દાયકા પસાર થઇ જાય

અને સવારે આંખ ખુલે ત્યારે એનો જરા યે ભાર પણ વર્તાય.

ભાર હવે લાગે છે તો માત્ર દિવસનો.

ભવ્યાતિ ભવ્ય દિવસનો.

હું જયાં રહું છું તે વૃદ્ધાશ્રમમાં કામ કરતી બાઇ

રોજ સવારે આવે છે, મારા પલંગની ચાદર બદલવા

અને એમ શરૂ થાય છે, એક નવો નકોર, સળ વિનાનો

ચોખ્ખો-ચણાક દિવસ.

અહીં આખા દિવસમાં સૌથી થકવી દેનારું કામ કંઇ હોય

તો છે, બપોરની ઊંઘ.

બપોરે જો સૂઇ જાવ તો દિવસ બહુ લાંબો લાગે

એટલે સૂવાનો પ્રયત્ન કરું, પણ અપ્રમાણિક

કારણ કે જો સાચે સૂઇ જઉં તો પછી રાત્રે ઊંઘ આવે

અને પેલા સાત-આઠ દાયકા

અંધારામાં પૂરપાટ દોડી આવતી કોઇ ગાડીની જેમ

કચડી નાંખશે તેવો ડર લાગે.

ઊંઘ, અહીંની સૌથી સસ્તી, સરળ અને છતાં સૌથી મુશ્કેલ ચીજ.

ઊંઘમાં સરી પડવાનો ભય અને પછી જાગતા રહેવાનો ભય

સતત સતાવ્યા કરે.

પડખાં બદલી બદલીને રગદોળાતી ચાદર

કોઇ હઠીલા યોધ્ધાની જેમ

આવી જાય છે રોજ સવારે

ફરી લડવા માટે તૈયાર

ધોયેલી, સળ વિનાની.

વૃદ્ધાશ્રમની નીરવ બપોરની અશાંતિ અકળાવી નાખે ત્યારે

હું બોલાવું છું, બહાર બેઠેલા ગુટરગુ કરતા હોલાઓને.

હોલાઓની એક હાર, આવીને બેસે છે મારી બારીએ.

હું હવે એમની સાથે વાતો કરું છું, ભવિષ્યની.

મંત્રમુગ્ધ થઇને મારી વાતો સાંભળી રહેલા હોલાઓ ઊડી જાય તે પહેલાં

હું સરી પડું છું, ભવિષ્યની એક લાંબી, મીઠી ઊંઘમાં.

હવે મારી ચાદર પર રમી રહેલા હોલા

ગજવી નાખે છે

વૃદ્ધાશ્રમની એક નીરવ બપોરની ઊંઘને.

સ્રોત

  • પુસ્તક : થાક (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : મનીષા જોષી
  • પ્રકાશક : આર. આર. શેઠ કંપની
  • વર્ષ : 2020