Harninu Bachchu - Free-verse | RekhtaGujarati

હરણીનું બચ્ચું

Harninu Bachchu

વિલિયમ સ્ટેફર્ડ વિલિયમ સ્ટેફર્ડ
હરણીનું બચ્ચું
વિલિયમ સ્ટેફર્ડ

વિલ્સન નદીને રસ્તે અમે જતા હતા

રાતને પહોરે... ત્યારે

મેં એક હરણ જોયું... મરેલું... રસ્તાની ધારે.

રસ્તો સાંકડો છે ને મોટરને બહુ

વળાંક આપવામાં જોખમ

અકસ્માતનું, વધારાના મૃત્યુનું... એટલે

મરેલા જનાવરને નીચેની ખીણમાં

ધકેલી દેવું યોગ્ય.

ટેઈલ લાઇટના અજવાળામાં

હું મોટરની પાછળ આવ્યો.

અને ઊભો ઢગલો થઈને પડેલા દેહ પાસે.

એક હરણી હતી એ. તાજી બંદૂકે દેવાયેલી.

અંગો અક્કડ થઈ થીજેલાં હતાં, લગભગ ઠંડાં.

મેં હરણીને પાછળ જરા ધકેલી...

એનું પેટ ફૂલેલું હતું.

મારી આંગળીઓ એના પડખાને સ્પર્શી,

અને જોયું તો એનું પડખું ઉષ્માભર્યું હતું.

માંહ્યલી પા એનું બચ્ચું સૂતું હતું...

વાટ જોતું, જીવતું, સ્થિર... અને જેણે હવે

ક્યારેય જન્મવાનું નથી તેવું.

પહાડના રસ્તાની કોરાણે હું જરા ખચકાયો,

મોટરની પાર્કિંગ લાઈટ

સીધુંસટ અજવાળું ફેંકતી હતી.

ઢાંકણ નીચે એન્જિન એકધારું ધબકતું હતું.

મોટરની વરાળ ગરમગરમ રતૂમડો રંગ ધરી

ઊડતી હતી...

ત્યાં હું ઊભો હતો...

અમારી આસપાસ વગડોય કાન માંડી ઊભો હતો.

મેં ખૂબ વિચાર્યું, ખૂબ મંથન કર્યું,

અમારા સહુ વતી લોમવિલોમમાં પડ્યો.

પછી ધકેલી દીધી એને

ધાર પરથી નીચે નદીમાં...

(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

સ્રોત

  • પુસ્તક : કાવ્યપ્રયાગ (પૃષ્ઠ ક્રમાંક 240)
  • સંપાદક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : સુમન પ્રકાશન, મુંબઈ
  • વર્ષ : 1978