થિયોડોર રોએથ્કે
Theodore Roethke
(જેઈન માટેની કરુણ પ્રશસ્તિ
મારી વિદ્યાર્થિની જેને અશ્વે ઉડાડી મૂકી)
મને યાદ છે
તેની ગ્રીવા પરના વાંકડિયા વાળ,
વેલના તંતુ જેવા લચીલા ને ભીનાશભર્યા;
ને તેની ઘુમરાતી નજર,
ને તાજી માછલી જેવું તાજું, તીરછું સ્મિત.
ને એક વાર ઝબકીને જો એ વાતે ચઢી જાય
તો તેને ખુશ કરવા તેના શબ્દાંશો કેવા ઊછળી ઊઠતા
તે પણ મને યાદ છે.
ને તે પોતે,
પોતાના વિચારની સૃષ્ટિના આનંદમાં સંતુલિત બનેલી
સુખથી ભરેલી પંખિણી, તે પોતે,
જેની પૂંછડી હવામાં ફરફરતી હોય તે પંખિણી.
ને, ડાળી અને ડાખળીઓને
કંપમાન કરી જતું તેનું ગીત,
બધુંય મને યાદ છે.
તેના ગીતના સૂરે સૂરે
વૃક્ષના પડછાયા તેની સાથે સાથે ગાઈ ઊઠતા,
અને પાંદડાં
પોતાની ગુજગોષ્ઠિઓને ચુંબનોમાં પલટાવી દેતાં
અને ગુલાબના છોડની નીચેની
નીખરી ઊઠેલી ક્યારીઓમાંની
માટી ગૂંજી ઊઠતી.
હા, પણ
જ્યારે તે વિષાદમાં હોય
ત્યારે એ એવાં વિશુદ્ધ ઊંડાણોમાં ઊતરી જતી
કે પિતા પણ ત્યાંથી એને ખોળી કાઢી શકે નહિ.
ને એ તો
તૃણનાં તણખલાં સાથે કપોલ ઘસતી હોય,
કે નીતર્યાં નીરને હલબલાવતી હોય.
મારી મધુરી ઓ ચકીબાઈ,
તું અહીં નથી.
પોતાનો તીણો પડછાયો આજુબાજુ પાથરી રહેલા
કોઈ નાજુક પુષ્પહીન રોપની માફક રાહ જોતી રહેતી
તું, હવે નથી.
આ ભીના ભીના પથ્થરોનાં પડખાં
મને આશ્વાસન આપી શકતાં નથી,
કે નથી આપી શકતી આશ્વાસન
આખરના સૂર્યપ્રકાશમાં
ગૂંથાઈ, વણાઈ જતી આ શેવાળ.
અપંગ બની ગયેલ ઓ બચુડી,
આમતેમ ઠેકંઠેકા કરતી હે પારેવડી,
તારી આ ભેજભીની કબર પાસે ઊભીને
હું મારા પ્રેમની વાણી ઉચ્ચારી રહ્યો છું
જેને એ બાબતમાં કશોય અધિકાર નથી
એેવો હું.
નથી હું પિતા, કે નથી પ્રિયતમ.
(અનુ. ગુલાબદાસ બ્રોકર)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
