janun chhun - Free-verse | RekhtaGujarati

જાણું છું

janun chhun

વિપિન પરીખ વિપિન પરીખ
જાણું છું
વિપિન પરીખ

રવિવારનું છાપું હાથમાં આવે કે તરત પહેલાં જોઈ લઉં છું :

ધનુરાશિ માટે આવતું સપ્તાહ શું શું લાવે છે.

જાણું છું, થોડાક વારોનાં નામની આમતેમ ફેરબદલી હશે!

ગયા અઠવાડિયે ગુરુ તો આ અઠવાડિયે શુક્રવાર શુભ હશે.

“તા. 19મીએ અચાનક ધનલાભનો યોગ સારો છે.”

છેલ્લાં ત્રણ વરસથી આ વાંચી વાંચીને જ લૉટરી લેતો આવ્યો છું.

આપેલી તારીખોમાંથી એકે ફળી નથી.

છતાં એકાદ chance એવી પણ જાય!

કહે છે : કોઈ મધુર સમાગમનો આ અઠવાડિયે યોગ છે.

હસવું આવે છે–

બે છોકરાંનો બાપ અને માથે ટાલ,

અને હવે આકર્ષણ–પરિચય

તોપણ સારું લાગે છે.

થોડાંક સ્વપ્નો....જુઠ્ઠાં હોય તોપણ

લખે છે : “તમારા ઉપર ઘેરાયેલાં વાદળ વીખરાતાં જશે.”

જાણું છું :

આકાશમાં કોઈ પણ વાદળ હંમેશ માટે ક્યારેય ટકતું નથી.

છતાં જુઠ્ઠાં વાક્યોનો વરતારો પણ થોડોક આધાર તો આપે જ છે!

શનિવારની સાંજે અઠવાડિયાનું સરવૈયું કાઢતાં ક્રોધથી બોલી પડાય છે :

‘સાલાઓ તદ્દન જુઠ્ઠા છે....એક શબ્દ પણ સાચો પડતો નથી!’

છતાં

આવતા રવિવારે વ્હેલી સવારે મારી નજર સૌ પ્રથમ

આ જ પાના ઉપર બિલાડીની જેમ તૂટી પડશે–

એ પણ જાણું છું!

સ્રોત

  • પુસ્તક : તલાશ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડ
  • વર્ષ : 1980