marawun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈએ કહ્યું છે :

માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે

મરણ સાથે.

આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે

કે લગ્નની ભયંકરતા તરફ?

‘મરવું’માંથી વાસ આવે છે

બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,

કોહવાતા લાકડાની,

મરઘાના ખાતરની,

વરસોથી ખૂલેલા, હવડ, હવાબારી વગરના

સંબંધની,

લોટામાં ચાર પાન મૂકો સાહે...બ, કાંઠલે દોરો બાંધો,

હવે શ્રીફળ પધરાવો, ચાર બાજુએ ચાર ચાંદલા કરો,

અક્ષત લગાડો, હાથમાં ઊંચકીને ત્રણ વખત માથે અડાડો,

કુંભે વરુણમાવાહયામિ સ્થાપયા...મિ...’—ની વાસ આવે છે

‘મરવું’માંથી.

કૂંપળમાંથી કોલસો

વ્હેલમાંથી તેલ

- કેવા કેવા વેશ કાઢે છે, ‘મરવું’

ફાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,

પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું.

ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,

યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું.

તોયે સાલું હેં હેં કરતું ઊભું છે, અમર,

‘મરવું’

જોઈએ ત્યારે મારું વા’લું મળે,

આડે હાથ મુકાઈ જાય.

ગોતો કેરોસીનના બળબળતા ઉજાસમાં,

રેલવેના આટેપાટે,

છલકાવો ટીક-ટ્વેન્ટી ઑન રૉક્સ,

એકવીસ માળ બાવીસ વાર ચડો

ને ઊતરો,

પણ ગુમ.

‘ઠીક ત્યારે, જેવી હરિ ઇચ્છા’ કહીને મન મનાવી લો

ત્યાં હસતું હસતું

તમારી બગલમાં સોપારીની જેમ ઊપસી આવે

અને પૂછે,

‘હાઉક! મને ગોતતા હતા?’

સ્રોત

  • પુસ્તક : સેલ્લારા (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન પ્રા. લિ.
  • વર્ષ : 2003