jagarnastotr (puranakthana Dhalman) - Free-verse | RekhtaGujarati

જાગરણસ્તોત્ર (પુરાણકથાના ઢાળમાં)

jagarnastotr (puranakthana Dhalman)

પ્રબોધ પરીખ પ્રબોધ પરીખ
જાગરણસ્તોત્ર (પુરાણકથાના ઢાળમાં)
પ્રબોધ પરીખ

જે જાગીને આવ્યો છે.

જે જાગીને આવ્યો છે, ઊડીને, ડૂબીને, કૂદીને,

વહાણનાં હલેસાં ઉલેચીને,

ફર્યો છે પોતાની પાસે

એના જાગરણનું શું?

જે જાગીને આવ્યો છે,

ઊડીને ઊડ્યો છે, ડૂબીને ડૂબ્યો છે, કૂદીને કૂદ્યો છે,

મૂઈઈઈને મૂઅઓ છે

એના જાગરણનું શું?

તે પુપુના અક્કરમી દાદાનું

મનુષ્યનું

લાકડીને ઠપકારતા ટાઈરેસિયસનું શું?

જે જિપ્સી ગામના બંદરે લંગારી સમજને,

ફર્યો છે પોતાની પાસે

ચંદ્રલોકની ચડ્ડી પહેરી,

કૂવાઓ ખોદી,

નિક્સનનું નાક ચડાવી,

દુકાનો છોડી,

ઊડ્યો છે કૂદ્યો છે ડૂબ્યો છે

એના જાગરણનું શું?

નમઃ જાગરણ

નમઃ શાંતિઃ

શાંતિ,

ઓમ શાંતિ,

માતેલી, રાતેલી

પણે ખૂણામાં ફફડતી શાંતિ.

ચલો સારું થયું

પાછું આવ્યાની ગૃહશાંતિ!

પણ એટલું ધ્યાનમાં રાખજો,

જે

જાગીને

આવ્યો છે

ડૂબીને ડૂબ્યો છે

કૂદીને કૂદ્યો છે

મૂઈને મૂઓ છે

ઊઠીને ઊઠ્યો છે

એના જાગરણનું શું?

રસપ્રદ તથ્યો

ટાઈરેસિયસ : ગ્રીક પૌરાણિક કથાઓ અનુસાર, ટાયરેસિયસ થીબ્સમાં એપોલોના અંધ ધર્મ ઉપદેશક હતા. તેઓ સૂક્ષ્મ આકલન શક્તિ માટે પ્રખ્યાત હતાં. એવું કહેવાય છે કે તેઓ સાત વર્ષ સુધી સ્ત્રીમાં રૂપાંતરિત થઈ રહ્યાં હતાં.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 237)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004