પ્રાપ્તિ કાનાણી
Prapti Kanani
ભીંત પરના રંગના ઊખડી ગયેલા પોપડાઓ
આકર્ષક ડિઝાઈન બનાવે છે.
જેની વચ્ચે વાંદાઓ સાપસીડીની
રમત રમે છે.
જીવનદાન કરતી 'ઈન્ટ્રાવીનસ ડ્રીપ'
પાણી પીએ છે,
નાક વાટે ખાય છે અન્નનળી,
ગળાના કાણામાંથી રેસ્પીરેટર
શ્વાસ લે છે,
કેથેટર પેશાબ કરે છે.
સ્થિર શરીરમાં માત્ર અસ્થિર છે
આંખો –
ચકળવકળ, વ્યાકુળ, ભીંત પરના
વાંદાની રમત જોતી.
નર્સ ડ્રીપ બદલે છે, યંત્રવત્
TPR ચાર્ટ પર ગરબડિયું લખે છે.
વિદ્યાર્થીઓ ડોકિયાં કરે છે—
ડ્રીપ, અન્નનળી, કેથેટર પર.
દર્દીની આંખો કંઈક કહેવા માગે છે.
“બહુ Interesting કેસ છે” બોસ શિખવી રહ્યા છે.
વિદ્યાર્થીઓ ગંભીરતાથી મૂંડી હલાવે છે
એક અતિ ઉત્સાહી વિદ્યાર્થી
બોસને 'ઇમ્પ્રેસ' કરવા
દર્દીને આમતેમ હલાવે છે
પેટમાં ગોદા મારે છે
છાતીએ પર્કશન કરે છે
'હેમર' લઈ ઘૂંટણે ફાંફાં મારે છે
અને પછી, દર્દીને ફેરવીને એક
પડખે સુવરાવે છે.
'હાઉસમેન'ને 'Continue all'નો દવા માટે
હુકમ મળતા, બધા
બીજા કેસ તરફ વળે છે.
ભીંત પરના વાંદાની રમત પણ હવે
જોઈ શકાતી નથી
એક પડખેથી તો દેખાય છે માત્ર
શરીરમાંથી નીકળેલા પરુથી ભરેલી કોથળી
– આંખમાંથી સરતું પાણીનું એક બિંદુ
જઈ ભળે છે નીચે પડેલી
Kidney ટ્રેનાં....
સ્રોત
- પુસ્તક : કવિતા - જૂન, 1981 (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
