hun na rahun to mar na rahun - Free-verse | RekhtaGujarati

હું ન રહું તો મર ન રહું

hun na rahun to mar na rahun

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
હું ન રહું તો મર ન રહું
સિતાંશુ યશશ્ચંદ્ર

હું રહું તો મર રહું

પણ સુંદર જગત, તું જીવતું રહેજે.

દેખાતાં રહેજો સદાય ને જોતા રહેજો એકમેકને

કોટાનકોટી રાતાપીળા રુપેરી ઝળહળતા તારાઓ

અને કોટાનકોટી લીલાં પીળા રતાશ પડતાં મહેકતાં તણખલાંઓ

અને વચ્ચે બેઠેલી કાળી ઘૂંટેલી ભેંશને બરડે બેસી

જૂ-જંતુ વીણી ખાતાં સફેદ જળપંખીઓ.

ખબર છે મને કે જંતુઓ મરી જાય છે, એમાં,

જાડીપાડી જિંદગી નામની ઘેઘૂર કાળી બાઈના ખોળામાં રમતું શામળું ભંભોટિયું છોકરું છે મોત.

મા વિના બચ્ચું ક્યાં?

વળી પાણી ભરેલાં વરસાદી તળાવડાં વચ્ચેના રસ્તે ચાલતી

લાલ રંગની બેસ્ટની નાનકડી બસ,

ડીઝલની તને ક્યારે પણ ખોટ પડજો.

ને કદાચ છેને પડી જ, તાલિબાનો અને નાટોની ગરબડોને કારણે કદાચ...

તો કેમિકલ ઇજનેરોનાં મનમાં કંઈ એવું થજો

કે લાલ રંગની બેસ્ટની બસો પૂનમની રાતે ચાંદનીથી ચાલે,

અષાઢના પહેલા દિવસથી ચોખ્ખા પાણીથી

અને વૈશાખમાં પીળો તડકો પી પીને તગડી થાય, વેગીલી,

એવું કશુંક થજો.

જે થાય તે થજો, પણ થજો.

સુંદર જગત,

મારાં પોતરાં દોહિત્રાંનાં પોતરાં દોહિત્રાંને એમની રીતે ગમે

એવું વિકસતું રહેજે તું.

હું રહું તો મર રહું.

હું કેટલું બધું જીવ્ચો, પીધી શેટ્ટીની શાહીચૂસ કાગળવાળી ઘટ્ટ લસ્સી

નાનાચોક પાસે, ફોર્ટમાં વિઠ્ઠલની ભેળ, ગિરગામ ચોપાટીએ જઈ પાન ખાધાં,

ભારતીય વિદ્યાભવનનાં પણ, લાલા લજપતનગર કે દિલ્લીવાલે પકૌડે ખાયેં

ઔર ભટૂરે બૅન્ગાલી માર્કેટ કે,

ચિકન રે’ર બીફ બિયર બ્લૂમિન્ગટનામાં, લા પારિમાં લે પાઁ-ની લાકડી,

કેલિફોર્નિયન રેસ્ટરાંમાં ઈથિયોપિયન થાળ

કુટુંબ સાથે ચોતરફ બેસીને ખાધો જેમ

આદિલને ઘેર ઢાલગરવાડમાં સહુ સાથે કૂંડાળે વળીને,

સ્વચ્છ સ્વચ્છ હવા પીધી દોસ્તો સાથે ડેલહાઉઝીમાં...

મારા હોવાનો કોઈ ભે નથી રહ્યો હવે.

મારા હોવાની ફિકર નથી હવે, કેમ કે નારીએ

જાળવી લીધાં છે મારાં જનીન પોતાનામાં કરી એકાકાર.

સમજણની પેલે પારના એક અદમ્ય સહિયારા આવેગથી.

જોકે અમને તો જ્ઞાન નહોતું જેનેટિકસનું.

જનીનમાં ભળ્યું જનીન અને જન્મ લઈ લીધો અમે ક્યારનો,

હવે, અમારાથી જુદો, અમારી પહોંચની બહાર.

બુકાની બાંધેલા કાઠિયાવાડી બહારવટિયાએ ગામ ભાંગ્યું હોય ને

હારબંધ ઊભા રાખ્યા હોય એક પાછળ એક પંદર વીસને

ને પોતાની બે જોટાળી તાકી, એમાંની એક ગોળી કેટલાઓની છાતી

સોંસરવી જઈ શકે છે જોવા એક કરે બાર જેવો.

એમ કોણ જનીનનો બાર કરે છે સોંસરવો

વડવાઓ અને વંશજોને હારબંધ ખડા કરીને

એવો સવાલ થાય છે ક્યારનો મને

અડધો સમજાતો અડધો સમજાતો.

કદાચ એથી આજે અંદરથી થાય છે કે

હું રહું તો મર રહું હવે

પણ જીવતું રહેજે તું તો હંમેશો

લાલ રંગની,

પૂનમની રાતે ચાંદનીથી ચાલતી

અષાઢ આખ્ખો ચોખ્ખાં પાણીથી

વૈશાખનો તડકો પી પી તગડી થતી

બેસ્ટની બસના છેલ્લા સ્ટોપથી પાંચ ડગલાં આગળ જઈએ

ત્યાં જેનું ઘર હોય એવી મારી પોતરીના પોતરાની પોતરીના પોતરાના ઘરની

પડખે રહેતા એક મળતાવડા અને ભલા પડોશીના કુટુંબને આંગણે કશુંક

વાગોળતી બેઠી હોય એવી ઘૂંટેલા કાળા રંગની કોક ભેંસ બનીને

તું વાગોળતું રહેજે, દૂધ બનાવતું રહેજે, સુંદર જગત.

(સમા. વડોદરા, ઓગસ્ટ, ૨૦૨૧)

સ્રોત

  • પુસ્તક : એતદ્ 2021 (ઑક્ટોબર- ડિસેમ્બર) (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : કમલ વોરા– કિરીટ દૂધાત
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર