hun na Doshi - Free-verse | RekhtaGujarati

હું ન ડોશી

hun na Doshi

નીરવ પટેલ નીરવ પટેલ
હું ન ડોશી
નીરવ પટેલ

(૧)

હાળા, ચાલી-પચ્ચા વરહથી બખાળા કર સ

પણ કશો ભલીવાર લાવતા નથી એમનાં કાંમમ.

બે-પાંચ વરહ થયાં નથી

ક આ આયા મત માગવા!

માળી, કશી ગતાગમ પડતી નથી –

આટઆટલા મત જાય સ ચ્યાં?

કે'સ ક આ વખતે તો વાલો નાંમેરી ઊભા સ...

હૌ કે'સ માંણહ હારો સ.

કે’વાય સ ક ભલો આદમી બાબાસાયેબના વખતથી

ગરીબ-ગુરબાંનાં કાંમ કર સ...

પણ આ રાખ્ખશોમાં બાપડાનું હું ગજુ?

બોલ ડોશી, ચ્યમ કરવું સ આ ફેર?

તમે તો જનમના ભોળિયા, ડોહા –

વૈતરાં કૂટી ખાવ.

હાંભર્યું સ માથાદીઠ દહ મલ સ?

અન ગાંઠિયાનું પડીકું સોગામ.

મોટર મેલી જાય ન લૈ જાય

ઘૈડે-ઘૈડપણ જીવી લો બે ઘડી -

પોટલી પાંણી પીવું હોય તો પી લો.

વાલા નાંમેરીનું ભગવાંન ભલું કર –

પણ મત તો મનુભૈ ન.

જાવ, જૈ ન ભાવતાલ કરી આવો,

કે'જો ક બે સઃ

હું ન ડોશી.

(ર)

ભૈ હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ

તમાર બાર આલવા હોય તો

બે સ:

હું ન ડોશી...

ઝાઝા નથી,

બે દ્હાડીનાં મૂલ સ.

અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી.

બાચી અમે તો આ હેંડ્યાં હાડકાં વેણવા,

મગો મે'તર કોથળે પાંચ આલ સ.

હાંજ પડ રોટલા ભેળા થ્યા

એટલ ભયો ભયો.

ભૈ તમન હોંપ્યાં રાજ ન પાટ

અમાર તો ભલો અમારો રઝળપાટ.

કો’ દહાડો ચઢ સ

ન ડોશી ખોટી થાય સ...

પાપમાં પડવાનું સ

પણ બોલ્યું પાળવાનું સ.

એટલે મત તો પાકો મનુભૈન.

બોલો, આલવા સ માથાદીઠ બાર?

બે સ:

હું ન ડોશી.

સ્રોત

  • પુસ્તક : બહિષ્કૃત ફૂલો (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : નીરવ પટેલ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2006
  • આવૃત્તિ : 2