hun, balad, ne kawita - Free-verse | RekhtaGujarati

હું, બળદ, ને કવિતા

hun, balad, ne kawita

ભરત ત્રિવેદી ભરત ત્રિવેદી
હું, બળદ, ને કવિતા
ભરત ત્રિવેદી

આજકાલ હું કવિતા લખવા બેસું ત્યારે

એક સફેદ બળદ

મારી આંખ સામે આવી ઉભો રહી જાય છે

તેનાં શિંગડાં

લાલ અને ભૂરા રંગથી રંગેલા છે

કદાચ તેના વજનથી

ડોક નમાવીને ઉભો છે

તેની ગ્રીવા મખમલની રજાઈ જેમ

લટકી રહી છે

તેની આંખોમાં

સો વીઘા જમીન ખેડયાનો

થાક વર્તાઈ રહ્યો છે

મારે કવિતા તો લખવી હતી

આકાશમાં ઉડતા પંખીઓ વિષે,

માર્ગમાં આવતા નદી નાળાં ને પર્વતો વિષે

વાદળોમાં સંતાઈ બેઠેલા

શ્રાવણના આછાતરા વરસાદ વિષે, પણ

લાલભૂરા શિંગડાવાળો બળદ

વચ્ચે નડે છે.

કવિ છું એટલે તેની કાન પટ્ટી પકડીને

તેને હું દૂર ખેંચી જઈ

પાછો ફરી નવી કવિતા માંડી શકતો નથી

કવિએ જ્યારે લાલ - ભૂરા રંગે ચીતરાયેલ

બળદ સામે બેસીને કવિતા કરવાની હોય ત્યારે

લાંબી ધીરજની જરૂર હોય છે.

સ્રોત

  • પુસ્તક : એતદ્
  • વર્ષ : 2002