આછા ફિક્કા રંગ
Aachha Fikka Rang
થોમસ હાર્ડી
Thomas Hardy

તે શિયાળાના દિવસે આપણે તળાવ પાસે ઊભાં હતાં,
સૂર્ય સફેદ હતો, જાણે ઠપકો દીધો હોય ઈશ્વરે,
એશના ઝાડ પરથી, ભૂખ્યાડાંસ ક્યારા પર,
પાંદડા વિખરાયાં હતાં, રાખોડિયાં રંગનાં.
વર્ષોજૂના કંટાળાજનક કોયડા પર રમી રહી હોય,
એવી તારી આંખો મારા પર રમી રહી હતી.
અને થોડાક શબ્દોની આવનજાવન થઈ રહી’તી
કે આપણા પ્રેમથી કોણે વધુ ગુમાવ્યું છે.
બધીય મૃતઃપ્રાય વસ્તુઓથી
તારા ચહેરા પરનું સ્મિત વધુ લોથપોથ હતું.
એક કડવાશનું પહોળું સ્મિત ત્યાં ઊડી આવ્યું.
જાણે કોઈ અપશુકનિયું પંખી.
ત્યાર પછી પ્રેમ છેતરે છે, છલનાથી હૃદયને આમળે છે,
એ ભેદી નાખતા અવબોધે આકાર્યાં છે મારી સામે
તારી સૂરત, અને દૈવશાપિત સૂર્ય અને એક વૃક્ષ,
અને રાખોડિયા પાંદડાની કોરવાળું તળાવ.
(અનુ. શીરીન કુડચેડકર)



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ