hiroshimani te balikane - Free-verse | RekhtaGujarati

હીરોશિમાની તે બાલિકાને

hiroshimani te balikane

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
હીરોશિમાની તે બાલિકાને
સ્નેહરશ્મિ

એટમબૉમ્બના વિસ્ફોટ પછી

એક ભાંગેલી દીવાલ પર

અંકિત થઈ રહેલી,

નિશાળે જતાં બૂટની છૂટી ગયેલી

દોરી બાંધતી હે ગભરુ કન્યા,

થથરે છે ભયથી તારી પ્રતિમા જોતાં

એટમબૉમ્બના ભંડારોના ચોકીદારો,

ને પ્રેરે છે કરવા આપઘાત

એટમબૉમ્બ ઝીંકનાર વિમાનીને!

હે નિષ્પાપ કન્યા,

સંહારના કરાળ ખડક તરફ

ધસી રહેલાં જગતનાં રાષ્ટ્રોનાં

વહાણો માટેની તું છે

ઝબૂક ઝબૂક થતી અમર દીવાદાંડી!

તારી શહીદીમાંથી ફૂટે છે

જગતના હૈયાનાં વેરાન રણોને

નવપલ્લવિત કરતી,

મૈત્રી ને કરુણાની

શાશ્વત સરવાણી!

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 742)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984