પ્રતિષ્ઠા પંડ્યા
Pratishtha Pandya
આપણાથી કોઈ ભૂલ થાય તો
નાનાનાના લંબચોરસભર્યા
ચોરસ નોટનાં પાનાં ઉપર
રોજનું ૧૦૮ વાર
રામનું નામ લખવાનો પ્રયોગ
મને એક બહેનપણીએ કરાવેલો
પાંચમા ધોરણમાં.
અંધારામાં ઉપલા માળે જઈને
પપ્પા માટે ચોપડી શોધી લાવવાની હોય
ત્યારે મારા બીકણ હૈયાના ધબકારથી વધુ ઝડપે
ને વધુ મોટા આવજે
રામ રામ બોલતાં-બોલતાં
એકસાથે ત્રણ-ત્રણ દાદરા ચઢતાં.
માએ શિખવાડેલું
આદૌ રામ તપોવનાદી ગમનમ
હત્વા મૃગમ્ કાંચનમ્...
એક સંસ્કૃત શ્લોકમાં
કડકડાટ આખું રામાયણ બોલતાં
મારી દાદીએ શીખવ્યું'તું
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારુણમ્
એમના ખોળામાં ઢળેલા મારા માથા પર
ફરતી વહાલભરી હથેળી
મામી જ્યારે એ ભજનને વહેતું મૂકતાં
ત્યારે બધું જ જાણે થંભી જતું
પવન, રસ્તા, લોકો, નદીઓ, સમય...
ને બધું જ વહેવા લાગતું
ઓટલા, દીવાલો, ઝાડ, ગામનું પાદર, ચબૂતરા
બધું ઓળઘોળ થઈ જતું બ્રહ્માંડમાં
એ એક ક્ષણમાં, એ સૂરમાં, એ ખોળામાં.
મારી જિંદગીમાં
રામની સાથે જોડાયેલી
સીતા સિવાય બીજી ઘણી સ્ત્રીઓ હતી
એક સાંજે કોઈ હરણ કરી ગયું
એ બધીય સ્ત્રીઓના રામનું
ને ધરબી દીધો એને જીવતેજીવત
ઊંડા પાતાળમાં
કોઈ દટાઈ ગયેલી મસ્જિદના અવશેષો ભેગો
ને ચણી દીધી ઝગઝગતી સુવર્ણ નગરી ઉપર.
ફરી એક વાર
ખબર નહીં કઈ મર્યાદાની આડમાં
ત્યજી દીધી એ સૌ સ્ત્રીઓને રામે
ફરી એક વાર ફાટી પડી ધરતી
મારા પગ તળે
ને ધસી ગયાં અંદર
સમય, સ્મૃતિઓ, સંવેદનો, સંવિધાનો, અર્થો,
કાવ્યો, કવિઓ, મજૂરો, સ્ત્રીઓ, બાળકો,
ધર્મો અને કંઈક ફરિશ્તા
એક પછી એક કરતાં
હે રામ!
સ્રોત
- પુસ્તક : નરસંહારના સમયમાં પ્રેમ (પૃષ્ઠ ક્રમાંક 38)
- સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2025
