hauspitalna bhonyataliye - Free-verse | RekhtaGujarati

હૉસ્પિટલના ભોંયતળિયે

hauspitalna bhonyataliye

નિખિલ ખારોડ નિખિલ ખારોડ
હૉસ્પિટલના ભોંયતળિયે
નિખિલ ખારોડ

હૉસ્પિટલના ભોંયતળિયે

છેક છેવટના ભાગમાં આવેલો

એક નાનો અમથો ઓરડો.

તેમાં એક ખૂણે

કોલ્ડ સ્ટોરેજમાં ખડકાયેલા

બે વેંતિયાથી માંડીને

ત્રણ ચાર ફૂટ લાંબા મૃતદેહો.

ઓરડાની વચ્ચે પડેલું

ખવાયેલા કાળા લાકડાનું ટેબલ.

તેના પર પડેલાં

કરવત, કાતર વગેરે

મૃતદેહો પર

શસ્ત્રક્રિયા કરવાનાં ઓજારો.

નાકની ચામડી તતડી ઊઠે

તેવી ફોરમાલિનની વાસ.

જુદા જુદા મૃતદેહોમાંથી કાઢેલા

જુદા જુદા ભાગો સંઘરીને

ખૂણે ગોઠવેલી બરણીઓ.

જ, બસ, તે જગ્યા

જ્યાં દરરોજ મૃતદેહોને ચીરીને

તપાસવામાં આવે છે.

શરીર જીવતું હતું

ત્યારે તેમાં શું ખરાબો હતો

તે મર્યા પછીની

તપાસથી જાણવામાં આવે છે.

નિયમાનુસાર

રાતના ભાગમાં તપાસ નથી થતી.

કોઈ રાત્રે મરી જાય

તો મૃતદેહ

કોલ્ડ સ્ટોરેજમાં

સંઘરી રાખવામાં આવે છે.

હૉસ્પિટલ ચાલુ થઈ

ત્યારથી

જાતની તપાસ કરવાનું પણ

શરૂ કરવામાં આવ્યું છે.

આજે વરસો થયાં છે.

હૉસ્પિટલની તવારીખમાં

કેટલાયે મૃતદેહોની તપાસનો

અહેવાલ છે.

પણ

ટેબલ, ઓજારો

કોલ્ડ સ્ટોરેજનો કબાટ

ઓરડો

હજી એનાં છે.

સ્રોત

  • પુસ્તક : ‘કિમ્ અધુના?’ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : નિખિલ ખારોડ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1993