શાંતા શેળકે
Shanta Shelake
મને ફક્ત બે હાથ દેખાય છે
તેમની પાછળ શરીર નથી, ચહેરો નથી
બે હાથ ચૂડો ભરેલા, પીઠી ચોળેલા
દશે નખો ૫ર મેંદીનો રંગ
જોતજોતામાં હળદર ઊતરે છે મેંદીનો રંગ ઝાંખો પડે છે
થોડા દિવસોમાં ફિક્કો પડે છે
હાથ વેઠ કરવા માંડે છે.
ક્યારેક તે છાણમાટીથી ખરડાઈને ઘરની ભીંતો લીંપે છે.
ક્યારેક વાસણોનો ઢગલો માંઝીમાંઝીને ચમકતો કરે છે
ક્યારેક ચૂલાના ટમટમતા પ્રકાશમાં રોટલા સાથે ગોળ ફરે છે
ક્યારેક નાનકડા બાળકની આંખમાં હળવેથી આંજણ આંજે છે
હાથ, પાણીના હાંડાને આધાર આપતા
હાથ, થાકેલા માથા નીચે ઓશીકું થતા
હાથ, ફાટેલું સાંધતા, થીંગડું મારતા
હાથ, તુળસી સમક્ષ દીવો થઈ ટમટમતા
હાથ, અહીં ત્યાં સર્વત્ર દેખાતા
હાથ, અંધારામાં છાનામાના આંખ લૂછતા,
આ હાથ, કોના? આ હાથ કોના?
હાથ હોય છે સાસરવાસી, હાથ હોય છે પિયરવાસી
હાથ પાછળ ઊભી હશે મારી મા, દાદી, મામી, માસી.
પરંપરાથી સજીવ થઈને આવેલી આ મારી માટી
પરંપરાથી સજીવ થઈને આવેલી આ મારી માટી
આ જ હાથ મારા હાથમાં, આજ હાથ મારાયે હાથમાં.
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1985 (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
