harishchandr prakti uth - Free-verse | RekhtaGujarati

હરિશ્ચન્દ્ર...પ્રકટી ઊઠ...

harishchandr prakti uth

મોહંમદ ઇસ્હાક શેખ મોહંમદ ઇસ્હાક શેખ
હરિશ્ચન્દ્ર...પ્રકટી ઊઠ...
મોહંમદ ઇસ્હાક શેખ

હરિશ્ચન્દ્ર,

હવે અસત્ય પ્રતિષ્ઠ થયું છે

સત્યના માથે!

તું પુનર્જન્મ લે તો

આ લોકો,

તને ગળે ટૂંપો દેશે.

હવે તો સત્ય છુંદાવાનું

ને રૂંધાવાનું લખ્યું છે

અનેક ને માથે.

ટોળેબંધ શૃગાલોની જમાત વચ્ચે

ધડા વગરની વાત શોભે નહિ.

તારે આત્મહત્યા ન કરવી હોય તો

ભાગી છૂટ

આ મુલકમાંથી દૂર દૂર...

જ્યાં ન હોય સૂરજ

જ્યાં ન હોય ચાંદ

જ્યાં ન હોય રાજ

જ્યાં ન હોય તાજ

* * *

ઈશુને ગોળીએ વીંધું,

ગાંધીને ખીલે ઠોકું

–ના મંગલમંત્રથી પણ

તેઓ હવે

વ્રજ્ આવી ગયા છે.

* * *

હરિશ્ચન્દ્ર,

હવે તો નવા નવા તરીકા શોધાઈ ચૂક્યા છે :

સત્યને નામે ફેલાય એક અફવા

તેને ફેલાવે નપાવટ વખા

માનસિક ત્રાસ અપાય

ને આમ તારે પળેપળ મરવાનું

તું શહીદ–‘સાચનો શહીદ’ ના ગણાય

તારી શહીદીનો યશ મળે જૂઠી બબાલને

* * *

હરિશ્ચન્દ્ર,

તેઓ કહે છે : બધો કરમનો દોષ

તારામતીને વિષના ઘૂંટડા ગળે ઉતારવા પડે

એ પણ કરમનો દોષ

કરોડોની કતારો ભૂખે મરે,

એ પણ કરમનો દોષ

તે પછી આ લોકોએ કર્યા કિયા કરમ?

અમને નડિયાં કોનાં ધરમ-કરમ?

અધર્મીઓને ધરમ?

એમને નથી કશો ધરમ,

એમને નથી કશી શરમ,

શરમને વેચીને ઉપજાવે એ પૈસા

પૈસો એમનો ધરમ, પૈસો એમનો બાપ,

ક્યો દુર્વાસા એમને આપે શાપ?

* * *

સંતોએ સહેવાના વીંછીના ડંખ

વીંછી સંતોને ચટકા ભરે,

છતાં વીંછીને ડંખ ન ભરાય,

એના તો ડંખ જ સહેવાય!

–પણ જો તમે પથ્થર ઉગામો તો

કહેવાય એ છળ!

અને એમને ખન ખન ગોપાલનો

સહેજ અમથો રણકાર સાંભળવા મળે તો ય

કૂતરાની ખોપરીમાં માણસના રક્તનું

બૂંદે બૂંદ ચૂસી

એમનાં હાડકે હાડકાંને ચૂસી ખાવા

તૈયાર છે.

માટે જ કહુ છું હરિશ્ચન્દ્ર,

હવે આત્મઘાત કર્યે નહિ ચાલે,

ભાગવું નહિ પાલવે,

આત્મવિશ્વાસની ચિનગારી બની,

એમાં પ્રસ્વેદનાં સરોવર ઉમેરી,

ક્રાંતિની જવાળા બની,

પ્રકટી ઊઠ નર-સિંહની જેમ!

ગત-જન્મ પુનર્જન્મને છાપરે મૂકી

આ જન્મે જ...

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981