રેખાબા સરવૈયા
Rekhaba Sarvaiya
હમણાં હમણાંથી આવું થાય છે
ટીકુની સ્કૂલબૅગમાં વોટરબોટલ મૂકવાની રહી જાય છે
ને એ યાદ આવે
ઉતાવળે ગૅસ ઉપર કૂકર ચડાવતાં
અપરાધવૃત્તિનો તૂરો સ્વાદ જીભ ઉપર
ફરી વળે એ પેલા
અદરખ-તુલસીવાળી ચાનો સબડકો
સિસકારો
જીભ દાઝી કે બીજું કંઈ?
ગળામાં કંઈક અટવાયું - ઊંડો નિસાસો
ડૂમાનો ચિત્કાર
પતિની બૂમ કાન સોંસરવી
'સૉરી, હોં દૂધીના શાકમાં અજમો નહીં નાખું
હવેથી ધ્યાન રાખીશ, કાલે તો જરા'
પતિ દ્વારા બારણું બંધ,
ધ...ડા...મ
ઊંડો ધ્રાસકો - પગમાં ગતિ
વચમાં જ અરે, ઉફ!
મશીનમાં નાખવાના કપડાં પગમાં વીંટળાયાં
રંગીન કપડાંને અલગ કરવાની તમા કર્યા વગર જ;
મશીનમાં કપડાં અવળાં-સવળાં વીંટળાયાં
અને મનમાં વિચારો
નકામી કાળજી રાખી રાખીને અળગી રહી
એ વખતે
જ્યારે સાંગોપાંગ રંગાઈ જવાનું હતું
એ હેબતાઈ ગઈ મશીન ઉપર ભીંતે ચોડેલા
અરીસામાં જોઈને
આ ચહેરો પોતાનો છે?
હડબડતા આત્મવિશ્વાસે જરાક થથરી આ આંખો
અંધારિયા કૂવા જેવી
કોણ બોલેલું : ગોખલાના દીવા જેવી
અત્યારે પણ અજવાળાં જેવું હસવા તો ગઈ
પણ મનમાં ઘૂઘવતા
હવડ કૂવાના ઘોર અંધકારે
આંખો આંજી દીધી
છાતીનું પારેવું ફફડી ઊઠ્યું
ને લાગલું જ
રંગ, ગંધ, સ્વાદ, ધ્વનિ અને સ્પર્શની પેલે પારની એ ક્ષણે
સમજણનાં સરનામાં જેવું
આત્મીય અજવાળાં જેવું
એક નામ યાદ આવી જાય છે
હા, હમણાં હમણાંથી આવું થાય છે.
સ્રોત
- પુસ્તક : પ્રેમ અને પીડા (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : રેખાબા સરવૈયા
- પ્રકાશક : ગૂર્જર સાહિત્યભવન, અમદાવાદ
- વર્ષ : 2023
