halkat sanwad - Free-verse | RekhtaGujarati

હલકટ સંવાદ

halkat sanwad

મનસુખ વાઘેલા મનસુખ વાઘેલા
હલકટ સંવાદ
મનસુખ વાઘેલા

‘લલિત, લવંગ કવિતા લખવાને કલમ ઊપાડી ત્યાં તો

‘શબ્દ ઉપર નાગાનો પડછાયો કઈ દીશથી આવ્યો?

‘લ્યા એ!

નાગો કુને કે છે?

નાગી તો તારી કલમ!’

‘છી છી છી છી

શિવ શિવ શિવ શિવ

કેવી મેલી ભાષા!’

‘તે તું જ્યોં ત્યોં તારું મેલું નાંખે

ઉપાડીએ એટલે અમારી ભાષાય મેલી હોય કની?

તારે ભાષા છે.’

‘છી છી છી છી

હરિ ઓમ ગરિ ઓમ

ભાષા મારી માતા

એને કહી રહ્યો તું મેલી?

તારી મતિ સાવ ફરેલી.

મારા મેલાંમાંથી નવલકથાઓ જન્મી જન્મી ઇનામને પામી છે.

આજે લખું કવિતા ફાઇવ સ્ટાર હોટલમાં બેસી

અહો! પ્રિય તું ક્યાં છે?’

‘તારા ઇનામના પરપંચમાં

તું ચ્યોં પ્રેમ કરી જાણે છે.

પ્રેમ તો ખરો અમારો ઝાડું સાથે.’

‘તું બંધ કરીશ લવારી સાલા હટકટ

‘આ શબ્દો તારું મેલું છે

તારું મન મેલું સર્જે છે,

બહુ જો ચડી હોય ખીજ

તો જા સંડાસમાં જઈને બબડ.

તેં મને હલકટ કહીને

તારી જાત પૂરવાર કરી દીધી, લ્યા!’

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981