hakikto - Free-verse | RekhtaGujarati

આપણે હકીકતોને ખોલીને બેસીએ તો

આંખોને શરમનો પડદો

વાચાને અર્ધસત્યોના લપેડા

ને કલમને સત્યનો ડંખ

-આટલું કદાચ મળી આવે

એ મેળવીને ય શું?

શું કરીએ આપણે એનું?

સમયને હોય તો માણસનો ચહેરો હોય.

ફૂલ-વૃક્ષ-નદી-પર્વત-ખીણ-આકાશનો જ નહીં.

ને એથી ઊલટું

માણસનો ચહેરો ઘવાય તો ઘવાય સમય

ફૂલ-વૃક્ષ-નદી-પર્વત-ખીણ-આકાશ પણ ઘવાય

આપણે આને હકીકત જ ગણીએ તો

આ ક્યા પ્રકારનું સત્ય હોઈ શકે?

શ્વાસો ઉપર અણુબોમ્બનું સરનામું લઈ

ચન્દ્ર ભણી ચાલતો માણસ

શું થશે એનું?

હકીકતો આમ કશું બોલતી નથી

વ્યક્ત થાય છે સાચા કવિ જેમ વ્યંજનામાં

એ સ્થૂળ નથી, સ્થૂળતા તો એનું આવરણ

એનો વર્તમાન હોતો નથી કેવળ સ્થગિત

એ પડછાયે પડછાયે વસે છે

ખસે છે

ને સ્પર્શે છે

ભવિષ્યની પ્રત્યેક ક્ષણને

આ ક્ષણ તે જ માણસ

આવતીકાલનો માણસ

પરિવર્તન માગતો માણસ!

આપણે જો હકીકતોને ખોલીને જે બેસીએ તો...

સ્રોત

  • પુસ્તક : યાદવાસ્થળી (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : બારીન મહેતા