guno - Free-verse | RekhtaGujarati

હું ગુના વગરનો ગુનેગાર છું.

મેં લોક-સરઘસની આગેવાની કરતું

ભડભડતી મશાલનું ચિત્ર દોર્યું.

હું ગુના વગરનો ગુનેગાર છું.

મધરાતે અધરાતે અંધારે

આંખ કશું ભાળી શકતી હતી ત્યારે

કોયલના ટહુકામાં

મેં ક્રાંતિનું ગીત જોયું

હું ગુના વગરનો ગુનેગાર છું.

લીલ્લીછમ વનરાજી વચ્ચે

ગાયોનું ધણ હાંકતાં વાંસળી વગાડતાં

આદિવાસી યુવાનની પાંસળી પર

વીંઝતા પોલીસના ડંડા

ને પોલીસની બંદૂક સામે

કોર્ટના દરવાજે ટકોરા માર્યા.

હું ગુના વગરનો ગુનેગાર છું.

સ્રોત

  • પુસ્તક : મને અંધારા બોલાવે (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : મનીષી જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2021