મધુસૂદન પટેલ
Madhusudan Patel
ગોંડો એટલે ગોંડો
અમાર ગૉમમોં એવુ કહેવાય ક(અ)
શીરાનું શાક ના થાય ન ગોંડાની વાત ના થાય!
રંગ - જનમ વખતે ઘઉંવર્ણો
ઊંચઈ - અઢારમા વર્ષે પોંચ પૉઇન્ટ હાત, અતારે હારી એવી.
વજન - ખરુ, અમાર ગૉમ ન તાલુકા બેયમાં.
આ ગોંડો,
હમણોં અમાર ગૉમનો સરપંચ થ્યો.
બીજી વાર, નઅ એય પાસો બિનહરીફ!
ઈનુ હાચુ નૉમ ડાહ્યો, ડાહ્યાલાલ
પણ ગૉમ આખુ ઈનઅ ગોંડો કહેતુ
અમે હાતઆઠ ભૈબંધો ઈનઅ ડૉલરદાસ કહેતા.
પણ તે દહાડે થોડીવાર માટઅ તો મનય ઈમ થઈ જ્યુ;
કઅ ગૉમ ઑનઅ ગોંડો કહે સઅ ઈમોં કૉય ખોટુ નહી
તે દહાદે મુ તૂટી ન તૈણ થઈ જ્યો પણ ગોંડો ઊભો ના થ્યો તે ના જ થ્યો!
હવઅ થ્યુ 'તુ એવુ કઅ,
એકવાર હવાર-હવારમોં રાડો હંભળૉણી;
ગોંડાનું ઘર હળજ્યુ... ગોંડાનું ઘર હળજ્યુ
અડધુ ગૉમ ભેગુ થઈ જ્યુ
દોડાદોડ થઈ જઈ
ઉપરના માળેથી ધુમાડાના ગોટેગોટા નેકળતા 'તા, પણ ગોંડો ઘરમોંથી ના નેકળ્યો!
ગોંડો મારો લંગોટિયો બૈબંધ, મન ચિંતા થઈ
તે મુ હિંમત કરીન ઘૂસ્યો ઘરમોં
બહુ હોધ્યો, ચેટલીયે બૂમો પાડી
પણ ગોંડો ઘરમોં હતો જ નઈ!
એ તો બેઠો 'તો, ગૉમના બસ-સ્ટેનડે, ચાની કિટલીએ
મી દોટ મેલી
કિટલીએ જઈન કીધુ;
ગોંડા, તારુ ઘર હળગઅ સઅ
તો મનઅ કહે; હારા ડફોળ... તનઅ શરમ નહી આવતી?
મારુ ઘર હળગવાના હમાચાર આલવા તુ આટલોં વરહ પસઅ આયો?!
મી કીધુ; ગોંડા, ગોંડા જેવી વાતો ના કર, ઊભો થા.
તો મનઅ કહે; એક શેર હોંભળ
મારા તો મોતિયા મરી જેલા, પણ તોય મી કીધુ; હારુ ભૈ બોલ
તો કહે; 'બોલ' નહિ, 'ઈર્શાદ' કહે.
હવઅ અમાર GJ2મોં ઈર્શાદ-બિરશાદ હુ કંકોળોં?!
તોય મી કીધુ; હારુ ભૈ ઈર્શાદ...
તો પાસો કહે; ધોંનથી હોંભળજે.
અહીંથી ઊભા થવાની મારે જરૂર શું?
મારે તો જ્યાં જવું છે ત્યાં જઈ રહ્યો છું હું.
ઈનો શેર પત્યો એટલે મી ઈનુ બાવડુ ઝાલીન કીધુ; ગોંડા, ગોંડા તારુ ઘર હળગઅ સઅ
તો કહે; મારુ ઘર હળગઅ એ વાતમોં કૉય માલ જ નહી.
ચ્યમ કઅ, મારુ અડધુ ઘર તો અમેરિકામોં સઅ!
થોડુ જ્યુ ભગવોંનના ઘેર, થોડુ પડ્યુ સઅ મેન્ટલ હોસ્પિટલના ખાટલામોં, થોડુ જ્યુ ઈના હાહરે, થોડુ થઈ જ્યુ સઅ હોસ્ટેલમોંથી ચોંક ગુમ, અનઅ થોડુઘણું જે બચ્યુ સઅ, એ આ તારી હોંમઅ બેઠુ સઅ.
જે હળગઅ સઅ, એ તો મકોંન સઅ.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
