gay - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

1

રસ્તાની વચોવચ્ચ

એક ગાય ઊભી છે

તેનાં બે શિંગડાંની વચ્ચે

ચોથનો ચંદ્રમા

આછા પીળા સવારના

તડકા જેવો ચળકે છે

તડકા જેવો ચળકે છે

ગાય રસ્તાની વચ્ચે ઊભી છે

બંને બાજુથી લોકોનું ટોળું

ગાયને હઠાવવા હઠાત્ છે

ગાય ચૂપચાપ ઊભી છે.

તેની આંખોમાં તુલસીનાં

કુંડાઓ ઘેરા ગેરુઆ રંગે

લીપેલાં પડ્યાં છે

કેટલાક લાકડી ને

કેટલાક ગોગ્રાસ લઈ

ગાયની પ્રદક્ષિણા કરે છે

હોકારા દેકારાના કુંડાળામાં

ગાય ઊભી છે.

મોટરો ખટારાઓ સ્કુટરોના

પેટ્રોલની વાસથી આખો

રસ્તો ખીચોખીચ

2

ગાયના શિંગડા વચ્ચેનો

ચંદ્ર હવે ધુમાડિયો

સાયરન વગાડતી

પોલીસ-ગાડી આવે છે

લોકો બાજુમાં ખસે છે

ગાય ચસતી નથી

સીટીઓ વાગે છે

ગાયની સફેદ પીઠ સબોટાય છે

સોળે સોળે

ઝરણાં ફૂટે છે

આકાશના વેરવિખેર

ટુકડાઓ હોડીની જેમ

તેમાં વહેતા દેખાય છે

કાળા ડામરના રસ્તામાં

ચૂપચાપ ગાય ઊભી છે.

બધા રસ્તા હવે બંધ.

ક્રેઈનવાળી ગાડી

ગાયને ઊંચકે છે.

ગાયના ચાર પગ

હવામાં વીજળી વેરતા

દેખાય છે

ગાયને લઈ ક્રેઈન

ચાલી જાય છે

વરસાદવાળા રસ્તા પર

સીટી-હોર્નની

દોડધામ મચી રહે છે

ગાય જ્યાં ઊભી હતી

તે કોરી જગા પર

પગ મૂકી ચાલું છું

ઘરે આવી બૂટ કાઢું છું

પગનાં કપાયેલાં આંગળાંમાં

ચોથના પીળી ઝાંયવાળા

ધુમાડિયા ચંદ્રમાં

એક ગાય ઊભી છે.

ચૂપચાપ.

સ્રોત

  • પુસ્તક : નિર્વાણ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : નીતિન મહેતા
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 1988